Propshop IPO Listing: શેરબજારમાં ખરાબ એન્ટ્રી, લિસ્ટિંગ થતાં જ લાગી લોઅર સર્કિટ, રોકાણકારોને એક જ લોટ પર 33,100 રૂપિયાનો મોટો ફટકો | Moneycontrol Gujarati
Get App

Propshop IPO Listing: શેરબજારમાં ખરાબ એન્ટ્રી, લિસ્ટિંગ થતાં જ લાગી લોઅર સર્કિટ, રોકાણકારોને એક જ લોટ પર 33,100 રૂપિયાનો મોટો ફટકો

Propshop Eventsનો IPO આજે શેરબજારમાં 20%ના ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. 69 રૂપિયાનો શેર 55.20 પર ખુલ્યો અને પછી સીધી લોઅર સર્કિટ લાગી. જાણો રોકાણકારોને કેટલું નુકસાન થયું અને કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે.

અપડેટેડ 10:47:35 AM Aug 03, 2026 પર
Story continues below Advertisement
Propshop IPO Listing: એક્ઝિબિશન માટે સ્ટોલ ડિઝાઇન કરતી કંપની ‘પ્રોપશોપ ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન્સ'ના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે.

Propshop IPO Listing: એક્ઝિબિશન માટે સ્ટોલ ડિઝાઇન કરતી કંપની ‘પ્રોપશોપ ઇવેન્ટ્સ એન્ડ એક્ઝિબિશન્સ'ના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે. પરંતુ, આ નવી એન્ટ્રી રોકાણકારો માટે ભારે નિરાશાજનક રહી છે. જે રોકાણકારો લિસ્ટિંગ ગેઇનની આશા રાખીને બેઠા હતા, તેમને શેરબજારમાં એન્ટ્રી થતાં જ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. NSE SME પ્લેટફોર્મ પર કંપનીના શેર ભારે ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા છે. આવો જાણીએ આ IPO અને કંપનીની સંપૂર્ણ વિગતો.

રોકાણકારોને મોટું નુકસાન: એક લોટ પર 33,100 રૂપિયા સ્વાહા

આ IPO માં શેરની કિંમત 69 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ આજે NSE SME પર તેનું લિસ્ટિંગ 55.20 રૂપિયાના ભાવે થયું છે. એટલે કે, રોકાણકારોની મૂડી લિસ્ટિંગ થતાંની સાથે જ 20% ઘટી ગઈ. રોકાણકારોને અસલી ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લિસ્ટિંગ પછી પણ શેરમાં કડાકો ચાલુ રહ્યો. શેર તૂટીને 52.45 રૂપિયાની લોઅર સર્કિટ પર આવી ગયો. આનો સીધો અર્થ એ છે કે, IPO માં પૈસા લગાવનાર રોકાણકારો અત્યારે 23.99%ના ભારે નુકસાનમાં છે. આ IPOની લોટ સાઈઝ 2000 શેરની હતી. તેથી ગણતરી કરીએ તો, જે રોકાણકારને એક લોટ લાગ્યો હશે તેને સીધું 33,100 રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

IPOને કેવો પ્રતિસાદ મળ્યો હતો?

પ્રોપશોપ ઇવેન્ટ્સનો 29 કરોડ રૂપિયાનો આ IPO 27 થી 29 જુલાઈ વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રોકાણકારોનો તેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઓવરઓલ આ ઇશ્યૂ 1.53 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સનો હિસ્સો 1.37 ગણો ભરાયો હતો. નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 1.38 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.77 ગણો ભરાયો હતો.


ક્યાં વપરાશે IPO ના પૈસા?

કંપની આ IPO દ્વારા 23 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડી રહી છે. આ ઉપરાંત, 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 8 લાખ શેર ‘ઓફર ફોર સેલ' હેઠળ વેચવામાં આવ્યા છે. OFS દ્વારા મળેલા પૈસા શેર વેચનાર પ્રમોટર્સ/શેરહોલ્ડર્સને જશે. જ્યારે નવા શેર દ્વારા એકઠા થયેલા ફંડમાંથી 16.62 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.

પ્રોપશોપ કંપની અને તેની નાણાકીય સ્થિતિ

પ્રોપશોપ ક્લાયન્ટની જરૂરિયાત મુજબ દેશ-વિદેશમાં 3D એક્ઝિબિશન સ્ટોલ ડિઝાઇન કરવાનું કામ કરે છે. કંપની કોન્સેપ્ટ ડિઝાઇન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઇન્સ્ટોલેશન અને ઇવેન્ટ પૂરી થયા પછી સ્ટોલ હટાવવા સુધીની તમામ સર્વિસ આપે છે. ભારત ઉપરાંત અમેરિકા, યુકે, જર્મની, દુબઈ, સ્પેન અને સિંગાપોરમાં પણ કંપની પોતાનો બિઝનેસ ધરાવે છે.

જો કંપનીની નાણાકીય તબિયતની વાત કરીએ તો તે સતત મજબૂત થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો નફો 155% ના ચક્રવૃદ્ધિ દરે (CAGR) વધીને 6.32 કરોડ રૂપિયા અને કુલ આવક 41% ના દરે વધીને 51.59 કરોડ રૂપિયા થઈ છે. તાજેતરના નાણાકીય વર્ષના શરૂઆતના 11 મહિનામાં જ કંપનીએ 6.46 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો અને 59.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપની માટે સારી વાત એ છે કે તેના પર કોઈ દેવું નથી અને રિઝર્વ ફંડમાં પણ 6.49 કરોડ રૂપિયા જમા છે. નાણાકીય સ્થિતિ સારી હોવા છતાં, શેરબજારમાં નબળા સેન્ટિમેન્ટને કારણે લિસ્ટિંગ પર રોકાણકારોને નિરાશા જ સાંપડી છે.

આ પણ વાંચો- IPO Listing: Advance Technoforgeના લિસ્ટિંગે રોકાણકારોને આપ્યો મોટો ઝટકો, ડિસ્કાઉન્ટ સાથે એન્ટ્રી બાદ શેર વધુ ગગડ્યો

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 03, 2026 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.