પબ્લિક ઇશ્યૂ ખુલતા પહેલા જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રુપિયા 376 કરોડ એકઠા કરીને શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રીનો સંકેત આપી દીધો છે.
Rentomojo IPO details: જો તમે શેરબજારમાં નવા IPOમાં રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ભારતની જાણીતી ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ રેન્ટલ કંપની 'Rentomojo'નો IPO આજથી એટલે કે 9 સપ્ટેમ્બરથી રોકાણકારો માટે ખુલી ગયો છે.
પબ્લિક ઇશ્યૂ ખુલતા પહેલા જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રુપિયા 376 કરોડ એકઠા કરીને શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રીનો સંકેત આપી દીધો છે. જો તમે પણ આ કંપનીમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો રોકાણ કરતા પહેલા આ 5 સૌથી મહત્વની વાતો જરૂર જાણી લો.
1. આઈપીઓની તારીખો અને પ્રાઇસ બેન્ડ
ઇશ્યૂ ખુલવાની તારીખ: 9 સપ્ટેમ્બર
ઇશ્યૂ બંધ થવાની તારીખ: 11 સપ્ટેમ્બર
પ્રાઇસ બેન્ડ: કંપનીએ આ ઇશ્યૂ માટે રુપિયા 384 થી રુપિયા 404 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.
2. ઇશ્યૂની સાઈઝ અને સ્ટ્રક્ચર
Rentomojoના આ IPOની કુલ સાઈઝ રુપિયા 1256 કરોડ છે. આમાં રુપિયા 150 કરોડનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેના પૈસા સીધા કંપનીના ખાતામાં જશે. જ્યારે પ્રમોટર્સ અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ દ્વારા રુપિયા 1105.56 કરોડના મૂલ્યના 2.73 કરોડ શેર વેચી રહ્યા છે.
3. એન્કર રોકાણકારો તરફથી મળ્યો બમ્પર રિસ્પોન્સ
કંપનીએ એન્કર રોકાણકારોને રુપિયા 404 ના ભાવે કુલ 93.08 લાખ શેર ફાળવ્યા છે. એન્કર બુકમાં બ્લેકરોક (BlackRock), ગોલ્ડમેન સૅક્સ અને થેલેમ પાર્ટનર જેવા મોટા ગ્લોબલ રોકાણકારોએ મોટું ભંડોળ ઠાલવ્યું છે. આ ઉપરાંત દેશના 16 મોટા મ્યુચ્યુઅલ ફંડ્સની 30 સ્કીમ્સે મળીને રુપિયા 244 કરોડ (60.41 લાખ શેર) નું રોકાણ કર્યું છે. HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ અને બજાજ લાઈફ જેવી વીમા કંપનીઓએ પણ રુપિયા 51 કરોડ (12.62 લાખ શેર) લગાવ્યા છે.
4. કંપની આ ભેગા કરેલા ફંડનું શું કરશે?
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રુપિયા 150 કરોડની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરશે:
દેવું ચૂકવવા: કંપની રુપિયા 70 કરોડનો ઉપયોગ પોતાનું દેવું ઘટાડવા માટે કરશે (હાલમાં કંપની પર કુલ રુપિયા 258.3 કરોડનું દેવું છે).
ભાડું અને લાયસન્સ: રુપિયા 42.5 કરોડનો ઉપયોગ કંપનીના વેરહાઉસ અને સ્ટોર્સના ભાડા તેમજ લાયસન્સ ફી ચૂકવવા માટે થશે.
કોર્પોરેટ જરૂરિયાતો: બાકીની રકમનો ઉપયોગ કંપનીના રોજિંદા કામકાજ અને બિઝનેસના વિસ્તરણ માટે કરવામાં આવશે.
5. કંપનીનો બિઝનેસ અને 142% નો જંગી નફો
Rentomojo ઓનલાઇન પ્લેટફોર્મની સાથે દેશભરમાં 82 ફિઝિકલ 'એક્સપિરિયન્સ સ્ટોર્સ' પણ ચલાવે છે, જ્યાં ગ્રાહકો રૂબરૂ જઈને ફર્નિચર જોઈ શકે છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માં કંપનીનો ઓક્યુપન્સી રેટ 83.34% રહ્યો છે, જે અગાઉના વર્ષ કરતા ઘણો સારો છે.
કંપનીના નાણાકીય આંકડા ખૂબ જ મજબૂત રહ્યા છે. નાણાકીય વર્ષ 2025ના રુપિયા 266 કરોડની સામે નાણાકીય વર્ષ 2026 માં કંપનીની આવક 45.5% વધીને રુપિયા 387 કરોડ પર પહોંચી ગઈ છે. નફાની વાત કરીએ તો, કંપનીએ જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. FY25 ના રુપિયા 43.1 કરોડના નફા સામે કંપનીનો ચોખ્ખો નફો (PAT) 142% વધીને FY26 માં રુપિયા 104.2 કરોડ નોંધાયો છે. આ આંકડા કંપનીના મજબૂત બિઝનેસ મોડલની સાબિતી આપે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સમાચાર અને જાણકારીના હેતુથી આપવામાં આવી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે કોઈપણ કંપનીના IPOમાં પૈસા લગાવતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઇડ નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો. અહીં કોઈપણ પ્રકારની રોકાણની સીધી સલાહ આપવામાં આવતી નથી.