SEDEMAC IPO Listing: રિટેલ રોકાણકારોના ફ્લોપ રિસ્પોન્સ છતાં માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી, 1352 રૂપિયાનો શેર 1535 પર લિસ્ટ! | Moneycontrol Gujarati
Get App

SEDEMAC IPO Listing: રિટેલ રોકાણકારોના ફ્લોપ રિસ્પોન્સ છતાં માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી, 1352 રૂપિયાનો શેર 1535 પર લિસ્ટ!

SEDEMAC IPO Listing: સિડેમેક મેકાટ્રોનિક્સનો શેર શેરબજારમાં પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. 1352 રૂપિયાનો શેર 1535 પર લિસ્ટ થતાં રોકાણકારોને 14% નફો થયો. જાણો સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 10:38:43 AM Mar 11, 2026 પર
Story continues below Advertisement
SEDEMAC IPO Listing: સિડેમેક મેકાટ્રોનિક્સનો શેર શેરબજારમાં પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે.

SEDEMAC IPO Listing: શેરબજારમાં આજે SEDEMAC Mechatronics (સિડેમેક મેકાટ્રોનિક્સ)ના શેરોની શાનદાર એન્ટ્રી થઈ છે. આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ ભલે ખાસ રસ ન દાખવ્યો હોય, પરંતુ જે રોકાણકારોને આ શેર લાગ્યા છે તેમની આજે બજાર ખુલતા જ ચાંદી થઈ ગઈ છે. કંપનીએ 1352 રૂપિયાના ભાવે શેર ઈશ્યુ કર્યા હતા, જે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1535 રૂપિયા અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 1510 રૂપિયાના ભાવે લિસ્ટ થયા છે.

લિસ્ટિંગ થતાં જ IPO રોકાણકારોને સીધો 13%નો ફાયદો (Listing Gain) જોવા મળ્યો હતો. માર્કેટ ખુલ્યા પછી આ શેરમાં વધુ ઉછાળો આવ્યો અને BSE પર શેરની કિંમત 1541.25 રૂપિયા સુધી પહોંચી ગઈ. આનો અર્થ એ છે કે જે રોકાણકારોએ હજુ શેર હોલ્ડ કર્યા છે તેઓ 14% નફામાં છે. આમાં સૌથી મોટો જેકપોટ કંપનીના કર્મચારીઓને લાગ્યો છે, કારણ કે કંપનીએ તેમને દરેક શેર પર 128 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.

રિટેલ રોકાણકારોનો રિસ્પોન્સ કેવો રહ્યો?

SEDEMACનો આ IPO સબસ્ક્રિપ્શન માટે 4થી 6 માર્ચ સુધી ખુલ્લો હતો. ઓવરઓલ આ ઈશ્યુને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને તે 2.68 ગણો ભરાયો હતો. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) નો હિસ્સો સૌથી વધુ 8.46 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો માત્ર 0.77 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોનો રિસ્પોન્સ સાવ ઠંડો રહ્યો હતો અને તેમનો હિસ્સો માત્ર 0.20 ગણો (એટલે કે પા ભાગનો જ) ભરાયો હતો.

કંપનીના કર્મચારીઓ માટેનો હિસ્સો 2.95 ગણો ભરાયો હતો. નોંધનીય છે કે, આ IPO માં કંપનીએ કોઈ નવા શેર બહાર પાડ્યા નથી. આ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતો, જેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 80,43,300 શેર જૂના રોકાણકારો દ્વારા વેચવામાં આવ્યા છે. આથી IPO ના પૈસા સીધા શેર વેચનાર પ્રમોટર્સને જશે, કંપનીના ખાતામાં આ ફંડમાંથી કોઈ રકમ જશે નહીં.


શું કરે છે SEDEMAC Mechatronics કંપની?

વર્ષ 2007માં પુણેમાં સ્થપાયેલી આ કંપની કંટ્રોલ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. આ કંપની પાવરટ્રેન કંટ્રોલર્સ, મોટર કંટ્રોલ પ્રોડક્ટ્સ અને ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર-જનરેટર સોલ્યુશન બનાવે છે. કંપનીની સૌથી મોટી ખાસિયત તેની પેટન્ટેડ ‘સેન્સર-લેસ મોટર કંટ્રોલ ટેક્નોલોજી' છે, જે બહારના સેન્સર વગર ઉત્તમ પરફોર્મન્સ આપે છે. ભારતમાં પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો માટે સેન્સરલેસ ટેક્નોલોજીવાળું સ્ટાર્ટર જનરેટર (ECU) બનાવનારી આ પહેલી કંપની છે.

કંપનીની આર્થિક સ્થિતિ (Financial Health) કેવી છે?

શેરબજારમાં કોઈ પણ કંપનીનું ભવિષ્ય તેના ફાઇનાન્શિયલ રિપોર્ટ પર નિર્ભર કરે છે. ચાલો જોઈએ કંપનીનો આર્થિક રિપોર્ટ નાણાકીય વર્ષ 2023 માં કંપનીનો ચોખ્ખો નફો 8.57 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2024 માં ઘટીને 5.88 કરોડ રૂપિયા થયો હતો. જોકે, વર્ષ 2025 માં કંપનીએ જોરદાર રિકવરી કરી અને નફો સીધો 47.05 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક 24% ના મજબૂત ચક્રવૃદ્ધિ દર (CAGR) થી વધીને 662.54 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2026 ના આંકડા જોઈએ તો, એપ્રિલથી ડિસેમ્બર 2025 સુધીના સમયમાં કંપનીએ 775.31 કરોડની આવક અને 71.50 કરોડ રૂપિયાનો જંગી ચોખ્ખો નફો કમાઈ લીધો છે. ડિસેમ્બર 2025 ના અંત સુધીના આંકડા મુજબ, કંપની પર 46.89 કરોડ રૂપિયાનું દેવું છે, પરંતુ તેની સામે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ખાતામાં 366.74 કરોડ રૂપિયા જમા છે.

રિટેલ રોકાણકારોના નિરસ પ્રતિસાદ હોવા છતાં, કંપનીની મજબૂત આવક, સતત વધતો નફો અને યુનિક ટેક્નોલોજીના કારણે માર્કેટે આ શેરને આવકાર્યો છે. લાંબા ગાળે આ કંપની તેના રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- Stock Market Today: આજે શેરબજારમાં ટ્રેડ લેતા પહેલા આ 5 મોટા સમાચારો પર નજર કરો, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 11, 2026 10:38 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.