અમદાવાદ બન્યું ‘ફ્લેક્સ ઓફિસ'નું નવું હબ! માંગમાં નોંધાયો 570%નો ઐતિહાસિક ઉછાળો, મુંબઈ-બેંગલુરુ પણ રહી ગયા પાછળ
Ahmedabad Flex Office: કોરોના પછી અમદાવાદમાં ફ્લેક્સ ઓફિસ એટલે કે કો-વર્કિંગ સ્પેસની માંગમાં 570%નો રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. કુશમેન એન્ડ વેકફિલ્ડના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગ્રોથ રેટની બાબતમાં અમદાવાદે મુંબઈ અને બેંગલુરુને પણ પાછળ છોડી દીધા છે.
સરળ શબ્દોમાં કહીએ તો, 'ફ્લેક્સ ઓફિસ' એટલે 'કો-વર્કિંગ સ્પેસ' અથવા તમારી જરૂરિયાત મુજબ ભાડે રાખી શકાય તેવી ઓફિસ. આ સિસ્ટમમાં કંપનીઓએ ઓફિસના મેન્ટેનન્સ પાછળ મોટો ખર્ચ કરવો પડતો નથી.
Ahmedabad Flex Office: કોરોના મહામારી પછી દુનિયાભરમાં લોકોના કામ કરવાની રીતમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે મોટી કંપનીઓ 5 કે 10 વર્ષના લાંબા ભાડાકરારમાં બંધાવા માંગતી નથી. તેના બદલે તેઓ 'ફ્લેક્સ ઓફિસ' તરફ વળી રહી છે. એક સમયે આ આધુનિક ટ્રેન્ડ માત્ર મુંબઈ, બેંગલુરુ કે દિલ્હી જેવા મહાનગરો પૂરતો જ સીમિત હતો, પરંતુ હવે ટિયર-2 શહેરો તેમાં મેદાન મારી રહ્યા છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ફ્લેક્સ ઓફિસની માંગ એટલી ઝડપથી વધી છે કે તેણે ગ્રોથ રેટમાં દેશના મોટા મહાનગરોને પણ ચોંકાવી દીધા છે.
'ફ્લેક્સ ઓફિસ' એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, 'ફ્લેક્સ ઓફિસ' એટલે 'કો-વર્કિંગ સ્પેસ' અથવા તમારી જરૂરિયાત મુજબ ભાડે રાખી શકાય તેવી ઓફિસ. આ સિસ્ટમમાં કંપનીઓએ ઓફિસના મેન્ટેનન્સ પાછળ મોટો ખર્ચ કરવો પડતો નથી. તેઓ પોતાના સ્ટાફની સંખ્યા મુજબ જ વર્કસ્ટેશન ભાડે રાખે છે. અહીં એક જ મોટી બિલ્ડિંગમાં અલગ-અલગ કંપનીઓ પોતાની સ્પેસમાં કામ કરતી હોય છે. પરંતુ મીટિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, કેફેટેરિયા, લાઉન્જ એરિયા, રિસેપ્શન, ઇન્ટરનેટ અને સિક્યોરિટી જેવી સુવિધાઓ બધા માટે કોમન હોય છે.
અમદાવાદમાં 570%નો રેકોર્ડબ્રેક ઉછાળો
રિયલ એસ્ટેટ સેક્ટરની જાણીતી રિસર્ચ એજન્સી 'કુશમેન એન્ડ વેકફિલ્ડ'ના લેટેસ્ટ 2026ના રિપોર્ટ મુજબ, વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં (H1) અમદાવાદમાં ફ્લેક્સ ઓફિસની માંગમાં વાર્ષિક ધોરણે 570.3%નો તોતિંગ વધારો થયો છે.
આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2025ના પહેલા છ મહિનામાં અમદાવાદમાં માત્ર 735 વર્કસ્ટેશન ભાડે લેવાયા હતા. જ્યારે આ વર્ષે આ આંકડો સીધો વધીને 4927 પર પહોંચી ગયો છે. ભલે કુલ વર્કસ્ટેશનની સંખ્યાની દ્રષ્ટિએ અમદાવાદ બેંગલુરુ કે મુંબઈ કરતા પાછળ હોય, પરંતુ વૃદ્ધિ દરની બાબતમાં અમદાવાદ આખા દેશમાં સૌથી આગળ નીકળી ગયું છે.
દેશના અન્ય મોટા અને નાના શહેરોની શું છે સ્થિતિ?
ફ્લેક્સ ઓફિસનો આ ક્રેઝ માત્ર અમદાવાદ પૂરતો નથી. દેશના અન્ય શહેરોમાં પણ કંપનીઓ મોટા પાયે આ મોડેલ અપનાવી રહી છે:
બેંગલુરુ: 57487 વર્કસ્ટેશન સાથે આ શહેર હજુ પણ દેશનું સૌથી મોટું ફ્લેક્સ માર્કેટ છે. અહીં 31.8% નો વધારો નોંધાયો છે અને દેશની કુલ માંગમાં તેનો હિસ્સો લગભગ 30% છે.
હૈદરાબાદ: 40451 વર્કસ્ટેશન (170.8% નો જંગી વધારો)
મુંબઈ: 25820 વર્કસ્ટેશન (130% નો વધારો)
દિલ્હી-NCR: 21970 વર્કસ્ટેશન (152.7% નો વધારો)
પુણે: 20900 વર્કસ્ટેશન (27.8% નો વધારો)
ચેન્નાઈ: 16297 વર્કસ્ટેશન (3.6% નો વધારો)
કોલકાતા: 3454 વર્કસ્ટેશન (48% નો વધારો)
રાષ્ટ્રીય સ્તરે 68.4% નો ગ્રોથ અને GCC બન્યા ગેમ-ચેન્જર
સમગ્ર ભારતની વાત કરીએ તો, વર્ષ 2026ના પહેલા 6 મહિના ફ્લેક્સ માર્કેટ માટે અત્યાર સુધીના બેસ્ટ સાબિત થયા છે. દેશના ટોપ 8 શહેરોમાં કુલ 191306 ફ્લેક્સ વર્કસ્ટેશન ભાડે લેવાયા છે. 2025ના પહેલા છ મહિનામાં આ આંકડો 113623 હતો. એટલે કે તેમાં સીધો 68.4%નો ઉછાળો આવ્યો છે. કુલ ઓફિસ લીઝિંગમાં હવે ફ્લેક્સ ઓફિસનો હિસ્સો 13%થી વધીને 20% થઈ ગયો છે.
આ તેજી પાછળનું સૌથી મોટું કારણ ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ' છે. વિદેશી કંપનીઓ ભારતમાં પોતાના સેન્ટર અને બેક-ઓફિસ ખૂબ ઝડપથી ખોલી રહી છે. 2026 ના પહેલા છ મહિનામાં ફ્લેક્સ વર્કસ્ટેશનની કુલ માંગમાં એકલા GCC નો હિસ્સો 44% રહ્યો છે, જે 2025 ના આખા વર્ષ માટે 37% હતો. આ વિદેશી કંપનીઓ સ્ટાફ વધારવા કે ઘટાડવાની ફ્લેક્સિબિલિટી માટે કો-વર્કિંગ સ્પેસને પ્રાધાન્ય આપી રહી છે.
નિષ્ણાતોનો મત અને ભવિષ્યનો ટ્રેન્ડ
કુશમેન એન્ડ વેકફિલ્ડના ઈન્ડિયા હેડ રમિતા અરોરા જણાવે છે કે, "ફ્લેક્સિબલ વર્કસ્પેસ હવે કોઈપણ કંપનીની કોર્પોરેટ રિયલ એસ્ટેટ વ્યૂહરચનાનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની ગઈ છે. કંપનીઓને હવે એવી એડવાન્સ સુવિધાઓવાળી ઓફિસ જોઈએ છે જે તેમની વૈશ્વિક બ્રાન્ડ ઈમેજને મેચ કરે. ફ્લેક્સ ઓપરેટરો આ માંગ બરાબર પૂરી કરી રહ્યા છે."
અમદાવાદ અને કોલકાતા જેવા શહેરોમાં આવેલો આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટ કરે છે કે ભારતમાં ઓફિસ સ્પેસ માર્કેટ હવે માત્ર મહાનગરોની સીમામાં બંધાયેલું નથી. બિઝનેસ વિસ્તારવા માટે આવનારા સમયમાં 'ફ્લેક્સ ઓફિસ' મોડેલ જ કંપનીઓની પહેલી પસંદ બની રહેશે.