‘આજથી તમારી નોકરી ગઈ...': વહેલી સવારે ઈમેલ મોકલી એમેઝોને 250 કર્મચારીઓને છૂટા કર્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય | Moneycontrol Gujarati
Get App

‘આજથી તમારી નોકરી ગઈ...': વહેલી સવારે ઈમેલ મોકલી એમેઝોને 250 કર્મચારીઓને છૂટા કર્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Amazon Announces Fresh Workforce Layoffs: ટેક દિગ્ગજ એમેઝોને તેના ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ ડિવિઝનમાંથી 250 કર્મચારીઓની છટણી કરી છે. વહેલી સવારે ઈમેલ દ્વારા જાણ કરાઈ. જાણો આ છટણી પાછળનું મુખ્ય કારણ અને કંપનીની આગળની રણનીતિ વિશે સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 03:17:15 PM Oct 29, 2026 પર
Story continues below Advertisement
આ તાજેતરની છટણીની સૌથી વધુ અસર સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ પર પડી છે.

Amazon Announces Fresh Workforce Layoffs: ટેક અને ઈ-કોમર્સ જગતમાં નોકરી જવાનો સિલસિલો યથાવત છે. દિગ્ગજ કંપની એમેઝોને પોતાના કર્મચારીઓને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ બુધવારે વહેલી સવારે ઈમેલ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને પોતાના 'ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ ડિવિઝન'માંથી આશરે 250 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. સવારે ઉઠતા જ મોબાઈલમાં નોકરી જવાનો મેસેજ જોઈને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા.

કયા કર્મચારીઓ પર પડી અસર?

આ તાજેતરની છટણીની સૌથી વધુ અસર સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ પર પડી છે. આ તે જ વિભાગ છે જે કંપનીના લોકપ્રિય ગેજેટ્સ જેવા કે એલેક્સા અને કિન્ડલ ઈ-રીડર્સ બનાવે છે. આશ્ચર્યની વાત એ છે કે, કંપનીએ હજુ તાજેતરમાં જ માર્કેટમાં નવા કિન્ડલ, ટેબ્લેટ્સ અને એલેક્સા આધારિત એલાર્મ ક્લોક તેમજ ફોટો ફ્રેમ લોન્ચ કર્યા છે, અને તરત જ આ વિભાગમાં કાપ મૂક્યો છે.

છટણી પાછળ કંપનીએ શું કારણ આપ્યું?

એમેઝોનના પ્રવક્તાએ આ છટણીની પુષ્ટિ કરતા કહ્યું છે કે, "અમે થોડી સંખ્યામાં ભૂમિકાઓ રદ કરવાનો આ મુશ્કેલ નિર્ણય લીધો છે." કંપનીના જણાવ્યા અનુસાર, બિઝનેસની કાર્યક્ષમતા વધારવા અને ભવિષ્યના પ્રોડક્ટ પ્લાન મુજબ સ્ટાફિંગ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સાથે જ ડિવિઝનના HR વાઇસ પ્રેસિડેન્ટ શેરી રોબિન્સને કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં સ્પષ્ટતા કરી હતી કે કંપનીએ પોતાના આંતરિક માળખાની સંપૂર્ણ સમીક્ષા પૂર્ણ કરી લીધી છે, અને તેના આધારે જ આ ચોક્કસ પદોને નાબૂદ કરવામાં આવ્યા છે.


એક જ મહિનામાં બીજો મોટો ઝટકો

નોંધનીય છે કે એમેઝોનમાં ટૂંકા ગાળામાં આ બીજી મોટી છટણી છે. આ અગાઉ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ કંપનીએ પોતાના મુખ્ય રિટેલ ડિવિઝનમાંથી આશરે 1000 જેટલા કર્મચારીઓને ઘરભેગા કર્યા હતા. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં આવેલી આ નવી છટણી દર્શાવે છે કે એમેઝોન સતત પોતાના ઓપરેટિંગ સ્ટ્રક્ચર અને સ્ટાફની જરૂરિયાતોનું કડકાઈથી મૂલ્યાંકન કરી રહ્યું છે.

એક તરફ છટણી, તો બીજી તરફ AI નો દબદબો

કંપનીના હાર્ડવેર અને રિટેલ વિભાગમાં ભલે નોકરીઓ જઈ રહી હોય, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કંપની જબરદસ્ત ગ્રોથ કરી રહી છે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એટલી મોટી માંગ છે કે એમેઝોન વેબ સર્વિસીસ ની ક્લાઉડ ક્ષમતા અત્યારથી જ ફુલ થઈ ગઈ છે.

એમેઝોનના CEO એન્ડી જેસીના જણાવ્યા મુજબ વર્ષ 2026 માટેની ક્લાઉડ ક્ષમતા પહેલેથી જ સંપૂર્ણપણે વેચાઈ ચૂકી છે. વર્ષ 2027 માટે પણ મોટાભાગની સર્વિસ સોલ્ડ આઉટ છે. એટલું જ નહીં, વર્ષ 2028 નો પણ મોટો હિસ્સો અત્યારથી જ બુક થઈ ગયો છે.

આ પણ વાંચો- UP MLC ચૂંટણી પરિણામ: ભાજપ અને સપા વચ્ચે કાંટાની ટક્કર, વારાણસીમાં સપાનો દબદબો તો ગોરખપુરમાં ભાજપ માંડ જીત્યું

એમેઝોન હવે પોતાનું પૂરું ધ્યાન અને મૂડી AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પાછળ લગાવી રહ્યું છે. કંપનીએ વર્ષ 2026 માટે આશરે $220 બિલિયનના મૂડીરોકાણ (Capital Expenditure) નો જંગી અંદાજ મૂક્યો છે. હવે શેરબજાર અને રોકાણકારોની નજર 29 ઓક્ટોબરે જાહેર થનારા કંપનીના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો પર ટકેલી રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 29, 2026 3:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.