તિરુપતિ મંદિરમાં વધુ એક મોટો ભ્રષ્ટાચાર: નકલી ઘી પછી હવે 54 કરોડનું સિલ્ક શૉલ કૌભાંડ
Tirupati Temple Scam: તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે 54 કરોડના નકલી સિલ્ક શૉલ કૌભાંડનો પર્દાફાશ. જાણો કેવી રીતે 10 વર્ષ સુધી શ્રદ્ધા સાથે છેતરપિંડી થઈ અને TTD ટ્રસ્ટે શું કડક પગલાં લીધા.
TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુને શૉલની ગુણવત્તા અંગે શંકા જતાં તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
TTD Silk Shawl Scam: આંધ્ર પ્રદેશમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં ભક્તોની શ્રદ્ધા સાથે વધુ એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં નકલી ઘી કૌભાંડથી ચર્ચામાં આવેલા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)માં હવે 54 કરોડથી વધુનું સિલ્ક શૉલ કૌભાંડ બહાર આવ્યું છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે.
એક કોન્ટ્રાક્ટરે છેલ્લા 10 વર્ષથી શુદ્ધ મલબરી સિલ્કના નામે 100% પોલિએસ્ટરની બનેલી શૉલ સપ્લાય કરીને મંદિર ટ્રસ્ટને 54 કરોડથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
TTD દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં સામે આવ્યું કે એક કોન્ટ્રાક્ટર વર્ષ 2015થી મંદિરને શૉલ સપ્લાય કરી રહ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, આ શૉલ 100% શુદ્ધ મલબરી સિલ્કની હોવી જોઈતી હતી. પરંતુ, કોન્ટ્રાક્ટરે પોલિએસ્ટરની બનેલી સસ્તી શૉલ સપ્લાય કરીને તેના બિલ શુદ્ધ સિલ્કના ભાવે પાસ કરાવ્યા હતા.
એક શૉલની અસલી કિંમત: 350
બિલમાં બતાવેલી કિંમત: 1300
આમ, લગભગ ચાર ગણા ઊંચા ભાવ વસૂલીને છેલ્લા એક દાયકાથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હતો. આ શૉલનો ઉપયોગ મંદિરમાં આવતા VIP મહેમાનો, મોટા દાતાઓનું સન્માન કરવા અને 'વેદાસિરવચનમ' જેવી પવિત્ર વિધિઓમાં થતો હતો.
આ રીતે થયો ભ્રષ્ટાચારનો પર્દાફાશ
TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુને શૉલની ગુણવત્તા અંગે શંકા જતાં તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. શૉલના સેમ્પલને બે અલગ-અલગ લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, જેમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની લેબનો પણ સમાવેશ થતો હતો. બંને લેબના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શૉલ સિલ્કની નહીં, પરંતુ પોલિએસ્ટરની બનેલી છે. એટલું જ નહીં, અસલી સિલ્કની પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવતો સિલ્ક હોલોગ્રામ પણ આ શૉલ પર હાજર ન હતો.
ટ્રસ્ટે લીધા કડક પગલાં
આ રિપોર્ટ સામે આવતાની સાથે જ TTD ટ્રસ્ટ બોર્ડે તાત્કાલિક અસરથી તે કોન્ટ્રાક્ટર સાથેના તમામ ટેન્ડર રદ કરી દીધા છે. આ ઉપરાંત, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે કેસ રાજ્યના એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ને સોંપી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ મંદિરમાં 250 કરોડના નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં લાખો કિલો નકલી ઘીનો ઉપયોગ ભગવાનના પ્રસાદ (લાડુ) બનાવવા માટે થયો હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર સામે આવતા આવા કૌભાંડોને કારણે મંદિરના વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે.