Apple Store: મુંબઈમાં આ તારીખે ખુલશે Appleનો 6ઠ્ઠો સ્ટોર, જુઓ ડિઝાઈન અને લોકેશનની વિગત
Apple Store Mumbai: ટેક જાયન્ટ Apple ભારતમાં તેનો 6ઠ્ઠો સ્ટોર મુંબઈના બોરીવલીમાં ખોલવા જઈ રહ્યું છે. 26 ફેબ્રુઆરીએ થશે ઉદ્ઘાટન. જાણો આ નવા સ્ટોરની ખાસિયતો, ડિઝાઈન અને લોકેશન વિશેની સંપૂર્ણ માહિતી આ અહેવાલમાં.
Apple Store Mumbai: ટેક જાયન્ટ Apple ભારતમાં તેનો 6ઠ્ઠો સ્ટોર મુંબઈના બોરીવલીમાં ખોલવા જઈ રહ્યું છે.
Apple Store Mumbai: અમેરિકાની દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) ભારતમાં પોતાનો બિઝનેસ સતત વધારી રહી છે. જો તમે પણ એપલના પ્રોડક્ટ્સના ચાહક છો, તો તમારા માટે સારા સમાચાર છે. એપલ હવે ભારતમાં તેનો છઠ્ઠો સ્ટોર ખોલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતે કંપનીએ ફરી એકવાર માયાનગરી મુંબઈ પર પસંદગી ઉતારી છે.
ભારતમાં એપલનો 6ઠ્ઠો સ્ટોર ક્યાં અને ક્યારે ખુલશે?
મળતી માહિતી મુજબ, એપલનો આ નવો રિટેલ સ્ટોર મુંબઈના બોરીવલી વિસ્તારમાં ખુલવા જઈ રહ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ સ્ટોરનું ઉદ્ઘાટન આવનારી 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. બોરીવલીમાં આ નવો સ્ટોર ખુલ્યા બાદ ભારતમાં એપલના કુલ 6 સ્ટોર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ એપલ માટે ખૂબ જ મહત્વનું માર્કેટ ગણાય છે. આ પહેલાં એપ્રિલ 2023માં એપલે ભારતનો સૌથી પહેલો સ્ટોર પણ મુંબઈમાં જ ખોલ્યો હતો. હવે બોરીવલીમાં સ્ટોર ખુલતાની સાથે જ મુંબઈમાં એપલના કુલ બે સ્ટોર થઈ જશે.
તાજેતરમાં જ નોઈડામાં ખુલ્યો હતો 5મો સ્ટોર
એપલ ભારતમાં ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ કંપનીએ ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાં તેનો પાંચમો સ્ટોર ખોલ્યો હતો. આ સ્ટોર 11 ડિસેમ્બર 2025ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. હવે તેના થોડા જ મહિનાઓમાં કંપની છઠ્ઠો સ્ટોર શરૂ કરવા જઈ રહી છે.
એપલે બોરીવલીમાં ખુલનારા આ નવા સ્ટોરની એક ઝલક પણ શેર કરી છે. સ્ટોરની બહાર લગાવવામાં આવેલું બેરિકેડ ખૂબ જ આકર્ષક છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી 'મોર' (Peacock) થી પ્રેરિત ખાસ ડિઝાઈન જોવા મળે છે.
આ ડિઝાઈન કંપની માટે નવી નથી; અગાઉ બેંગલુરુના Apple Hebbal, પુણે અને નોઈડાના સ્ટોર્સના ઉદ્ઘાટન સમયે પણ આવી જ થીમ રાખવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, આ ખાસ ડિઝાઈન આત્મવિશ્વાસ, ઝીણવટભરી કામગીરી અને ક્રિએટિવિટીનું પ્રતીક છે.
બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સને થશે ફાયદો
એપલનું માનવું છે કે બોરીવલી અને તેની આસપાસના વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ કોમ્યુનિટી ઝડપથી વધી રહી છે. આ નવો સ્ટોર અહીંના લોકોની ટેકનોલોજીને લગતી જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે અને ગ્રાહકોને એપલનો પ્રીમિયમ અનુભવ ઘરઆંગણે મળી રહેશે.