જાપાનમાં 25 વર્ષ પછી મોંઘવારીનો મોટો પ્રહાર, 30 વર્ષનો જૂનો ટ્રેન્ડ તૂટ્યો, ભારત સહિત ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર?
Japan inflation: જાપાનમાં 30 વર્ષમાં પહેલીવાર વ્યાજ દરમાં મોટો વધારો થયો છે, જેના કારણે 'યેન કેરી ટ્રેડ'નો યુગ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જાણો જાપાનની વધતી મોંઘવારી અને વ્યાજ દરોની ભારત સહિત વિશ્વના શેરબજારો પર શું અસર થશે અને રોકાણકારોએ શું કરવું જોઈએ.
જાપાનમાં 30 વર્ષ જૂનો ટ્રેન્ડ તૂટ્યો, વૈશ્વિક બજારોમાં ખળભળાટ
Japan inflation: જાપાન, જે છેલ્લા ત્રણ દાયકાથી તેની આશરે 0% જેટલી નીચા વ્યાજ દરો માટે જાણીતું હતું, તેણે હવે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. દેશનો ઉધાર દર વધીને 2.8% પર પહોંચી ગયો છે, જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે. આ બદલાવ વૈશ્વિક નાણાકીય બજારોમાં મોટી હલચલ મચાવી રહ્યો છે અને ખાસ કરીને 'યેન કેરી ટ્રેડ' નામના લોકપ્રિય રોકાણ ટ્રેડ માટે મુશ્કેલી ઊભી કરી છે.
'યેન કેરી ટ્રેડ' શું છે અને શા માટે તે મુશ્કેલીમાં છે?
દાયકાઓથી, જાપાનના ખૂબ ઓછા વ્યાજ દરોને કારણે વૈશ્વિક રોકાણકારો જાપાનમાંથી સસ્તામાં યેન ઉધાર લેતા હતા. પછી તેઓ આ ઉધાર લીધેલા નાણાં અમેરિકા કે ભારત જેવા દેશોમાં રોકતા હતા, જ્યાં બોન્ડ અને શેરબજાર જેવા સાધનોમાં 4%થી 8% જેટલું ઊંચું વળતર મળતું હતું. કરન્સી અને ટ્રાન્ઝેક્શનના ખર્ચ બાદ પણ આમાં સારો એવો નફો થતો હતો. આને જ 'યેન કેરી ટ્રેડ' કહેવામાં આવતું હતું, જે ઘણા રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થયું હતું.
પરંતુ હવે આ રમત પૂરી થવા જઈ રહી છે. 19 નવેમ્બરના રોજ જાપાનનો ઉધાર દર 2.8% થયો, જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાર્થક આહુજાએ આ અંગે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ દર 3%ને પાર કરશે તો જાપાન માટે તેના મોંઘા દેવાને (જે તેની જીડીપીના 2.5 ગણાથી પણ વધુ છે) સંભાળવું મુશ્કેલ બની જશે. આનાથી વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવાની શક્યતા છે. રોકાણકારો પોતાના વિદેશી રોકાણો વેચીને, ખાસ કરીને અમેરિકી બજારમાંથી, જાપાની દેવું ચૂકવવાનો પ્રયાસ કરી શકે છે. જેનાથી દુનિયાભરના શેરબજારો પર વેચવાલીનું દબાણ વધી શકે છે.
જાપાન આ પગલું શા માટે ભરી રહ્યું છે?
આ સવાલ થાય કે જાપાન અચાનક આવું ક્રાંતિકારી પગલું શા માટે ભરી રહ્યું છે? તેનું મુખ્ય કારણ મોંઘવારી છે. છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર જાપાનનો મોંઘવારી દર 2.5%ને પાર કરી ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે આ સમયગાળામાં લોકોની વાસ્તવિક કમાણી (રીયલ વેજ)માં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે, બેંક ઓફ જાપાને અર્થતંત્રમાં માંગ ઘટાડવા અને ભાવોને નિયંત્રણમાં લાવવા માટે આક્રમક રીતે વ્યાજ દરો વધારવા પડ્યા છે.
આ પહેલા ઓગસ્ટ 2024માં પણ જ્યારે જાપાનના દરો નજીવા વધારીને 0.25% કરાયા હતા, ત્યારે નિક્કેઈ (જાપાનનો શેરબજાર સૂચકાંક) 12% જેટલો ગગડી ગયો હતો, જોકે પછીથી તે સુધરી ગયો હતો. પરંતુ હાલનો 2.8%નો વધારો વધુ ગંભીર ગણાઈ રહ્યો છે. નિષ્ણાંતો સલાહ આપે છે કે, "આ સમયે કોઈ પણ જોખમી રોકાણ ન કરો. તમારી મૂડીને સુરક્ષિત રાખવી એ અત્યારે તેને ખૂબ ઝડપથી વધારવાનો પ્રયાસ કરવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે."
ભારત પર શું અસર થશે?
જાપાન દ્વારા વ્યાજ દરો વધારવા અને ઝીરો વ્યાજ દરની નીતિ સમાપ્ત કરવાના ભારતીય બજારો માટે મુખ્ય અર્થ એ છે કે સસ્તી પરદેશી મૂડીની ઉપલબ્ધતામાં ઘટાડો થઈ શકે છે. આનાથી જાપાની રોકાણના પ્રવાહ પર અમુક અંશે નકારાત્મક અસર પડી શકે છે.
છેલ્લા 30 વર્ષથી, જાપાનના સસ્તા વ્યાજ દરને કારણે રોકાણકારો ભારત જેવા ઊંચા વળતર વાળા બજારોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરતા હતા. હવે જ્યારે જાપાનમાં વ્યાજ દરો વધારવામાં આવ્યા છે (જોકે તે હજુ પણ અન્ય દેશોની તુલનામાં ઘણા ઓછા છે), ત્યારે ત્યાંના રોકાણકારો માટે પોતાના દેશમાં જ રોકાણ કરવું વધુ આકર્ષક બની શકે છે અથવા તેઓ તેમના ભંડોળને (પૈસા) પાછા જાપાન લઈ જઈ શકે છે. આનાથી ભારતીય શેર અને બોન્ડ બજારોમાં જાપાની રોકાણની ગતિ ધીમી પડી શકે છે, જેના કારણે બજારમાં વોલેટિલિટી વધી શકે છે. જોકે, ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ આ અસરને અમુક અંશે ઘટાડી શકે છે.