પેરિસના એફિલ ટાવર પર BAPSની મુલાકાત વેળાએ મોટો વિવાદ, મહિલા સ્ટાફને હટાવાતા ભારે વિરોધ, મેયરે આપ્યા તપાસના આદેશ | Moneycontrol Gujarati
Get App

પેરિસના એફિલ ટાવર પર BAPSની મુલાકાત વેળાએ મોટો વિવાદ, મહિલા સ્ટાફને હટાવાતા ભારે વિરોધ, મેયરે આપ્યા તપાસના આદેશ

BAPS Eiffel Tower controversy: પેરિસના એફિલ ટાવર પર BAPS ના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને હટાવવાના આરોપથી ભારે હોબાળો મચ્યો છે. વિરોધના પગલે ટાવર અસ્થાયી રૂપે બંધ રહ્યો. જાણો સમગ્ર અહેવાલ.

અપડેટેડ 09:31:50 AM Sep 08, 2026 પર
Story continues below Advertisement
BAPS Eiffel Tower controversy: ફ્રાન્સમાં એફિલ ટાવર ખાતે સર્જાયો નવો વિવાદ

BAPS Eiffel Tower controversy: ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા જગપ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે એક મોટો વિવાદ ઊભો થયો છે. હિન્દુ ધાર્મિક સંસ્થા BAPSના સંતો અને હરિભક્તોની મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટના બાદ સ્ટાફમાં એટલો રોષ ફેલાયો કે વિરોધ પ્રદર્શનના કારણે એફિલ ટાવરને થોડા સમય માટે બંધ રાખવાની નોબત આવી હતી.

મહિલા સ્ટાફને હટાવવાનો ગંભીર આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોનું એક પ્રતિનિધિમંડળ એફિલ ટાવરની ખાનગી મુલાકાતે ગયું હતું. યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યારે આ સંતો અને કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટી જવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે.

Big controversy during 1

કર્મચારીઓનો વિરોધ અને મેનેજમેન્ટની માફી


આ ઘટના પછી કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે તણાવ વધતા સોમવારે સવારે સ્ટાફે એક તાકીદની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો. આ વિરોધ બેઠકને કારણે એફિલ ટાવર તેના નિયમિત સમય કરતા મોડો ખુલ્યો હતો અને ગેટ પર ઓપરેશનલ કારણોસર વિલંબનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. વધતા વિવાદને જોતા અંતે એફિલ ટાવરના મેનેજમેન્ટે પોતાના સ્ટાફની માફી માંગી લીધી છે.

BAPSનું સત્તાવાર નિવેદન

આ સમગ્ર મામલે BAPS દ્વારા પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે મળીને જ કરવામાં આવ્યું હતું, જેથી સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. મુલાકાત દરમિયાન કોઈ અન્ય પ્રવાસીને પ્રવેશ આપવામાં ન આવ્યો હોય તેવું સંસ્થાના ધ્યાનમાં આવ્યું નથી. સંસ્થાએ ખેદ વ્યક્ત કરતા કહ્યું છે કે, "આ પરિસ્થિતિથી જો કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય કે અસુવિધા થઈ હોય, તો અમે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ. અમે પરસ્પર આદર અને સમાનતાના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધ છીએ."

ફ્રાન્સના નેતાઓમાં ભારે રોષ અને તપાસના આદેશ

આ વિવાદ હવે ફ્રાન્સના રાજકારણમાં પણ ગરમાયો છે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કામદારોની ચિંતા બિલકુલ વ્યાજબી છે અને પેરિસના કોઈપણ ઐતિહાસિક સ્થળે લિંગભેદ વિના સ્ત્રી-પુરુષ સમાનતા જળવાવી જ જોઈએ. આ ઉપરાંત, ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "વિદેશી મહેમાનોની માંગ સંતોષવા માટે મહિલાઓને અદૃશ્ય થવાનું કહેવું હું સ્વીકારી શકું નહીં. અન્યનું સ્વાગત કરવાનો અર્થ આપણા મૂલ્યો સાથે બાંધછોડ કરવાનો નથી હોતો." એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ એવો દાવો કર્યો છે કે, BAPS તરફથી અગાઉથી જ એવી વિનંતી કરવામાં આવી હતી કે તેમની મુલાકાત દરમિયાન "મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે."

પેરિસમાં જ બન્યું છે નવું BAPS મંદિર

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રવિવારે જ પેરિસ નજીક BAPS દ્વારા ફ્રાન્સના પ્રથમ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશેષ રૂપે જોડાયા હતા.

આ પણ વાંચો- Stocks to Watch: આજે શેરબજારમાં 4 નવી લિસ્ટિંગ, LIC અને SBI Life સહિત આ 21 શેરોમાં જોવા મળશે ભારે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 08, 2026 9:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.