Cabinet Decisions : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કટોકટી દરમિયાન લોકોના બલિદાનને યાદ કરીને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું. કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર, કેબિનેટમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને કટોકટીનો વિરોધ કરનારાઓને યાદ કરવામાં આવ્યા. કેબિનેટે આ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી છે. આ સાથે, આજના કેબિનેટમાં ત્રણ મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા. આમાં પુણે મેટ્રો લાઇન-2ના વિસ્તરણ માટે 3626 કરોડ રૂપિયા, ઝારખંડમાં ઝારિયા કોલસા ક્ષેત્રના પુનર્વસન માટે 5940 કરોડ રૂપિયા અને આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાકા કેન્દ્ર બનાવવા માટે 115 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા.
કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "આજે કેબિનેટની બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા હતા. પુણે મેટ્રોના વિસ્તરણ માટે રુપિયા 3626 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. બીજું, ઝારખંડના ઝારિયામાં કોલસા ક્ષેત્રનું પુનર્વસન ખૂબ જૂનો મુદ્દો છે, જેના માટે રુપિયા 5,940 કરોડનો સુધારેલો માસ્ટર પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. ત્રીજું, રુપિયા 111 કરોડના ખર્ચે આગ્રામાં એક આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે."
ભારતમાં બટાટા ઉત્પાદન ક્ષેત્રોમાં પ્રોસેસિંગ, પેકેજિંગ, પરિવહન, માર્કેટિંગ અને તેની સમગ્ર મૂલ્ય શૃંખલામાં મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવાની ક્ષમતા છે. તેથી, આ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓને ટેપ કરવા અને શોધવા માટે, ઉત્તર પ્રદેશના આગ્રાના સિંગના ખાતે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર (CIP) નું દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીમંડળે ઝારખંડના કોલસા ક્ષેત્ર ઝારિયામાં ભૂગર્ભ આગનો સામનો કરવા અને તેનાથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે રુપિયા 5,940 કરોડના સુધારેલા ઝરિયા માસ્ટર પ્લાન (JMP) ને પણ મંજૂરી આપી છે. નવા માસ્ટર પ્લાનમાં, આ વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો માટે આજીવિકાના સાધનો પૂરા પાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.