કેન્સરના દર્દીઓ માટે મોટી રાહત: સરકારના નિર્ણયથી દવાઓ 70% સસ્તી થશે, દર વર્ષે બચશે 2500 કરોડ રૂપિયા
Cancer medicine price drop: કેન્સરના દર્દીઓ માટે કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય. કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિન 30% ફિક્સ કરાયું, જેનાથી દવાઓ 70% સુધી સસ્તી થશે અને દર્દીઓના 2500 કરોડ બચશે.
કેન્દ્ર સરકારે નોન-શેડ્યુલ કેન્સર વિરોધી દવાઓ પર નફાનું માર્જિન ટ્રેડ માર્જિન મહત્તમ 30% સુધી જ સીમિત કરવાનો નિર્ણય લીધો છે.
Cancer medicine price drop: કેન્દ્ર સરકારે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારોને એક બહુ મોટી આર્થિક રાહત આપી છે. કેન્સરની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે, પરંતુ હવે સરકારે દવાઓના ભાવમાં મોટો ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારના આ નવા નિયમ મુજબ, હવે કેન્સરની કેટલીક દવાઓની કિંમતમાં 70% સુધીનો મસમોટો ઘટાડો જોવા મળશે.
શું છે સરકારનો નવો નિયમ?
કેન્દ્ર સરકારે નોન-શેડ્યુલ કેન્સર વિરોધી દવાઓ પર નફાનું માર્જિન ટ્રેડ માર્જિન મહત્તમ 30% સુધી જ સીમિત કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એવું થતું હતું કે સપ્લાય ચેઈન દરમિયાન આ દવાઓના ભાવ અનેક ગણા વધી જતા હતા અને કંપનીઓ કે હોસ્પિટલો મનફાવે તેમ કિંમતો વસૂલતા હતા. પરંતુ હવે આ 30% ની લિમિટ આવવાથી મનમાની લૂંટ પર રોક લાગશે અને દવાઓના ભાવ 70% સુધી ઘટી જશે. એક અંદાજ મુજબ, આ નિર્ણયથી દર્દીઓને દર વર્ષે લગભગ 2500 કરોડ રૂપિયાની સીધી બચત થશે.
કઈ દવાઓ પર લાગુ પડશે આ નિયમ?
આ નવા નિયમનો લાભ દર્દીઓને સીધો મળે તે માટે સરકારે ખાસ ગાઈડલાઈન બનાવી છે:
* આ નિયમ બ્રાન્ડેડ અને જેનરિક એમ બંને પ્રકારની દવાઓ પર લાગુ થશે.
* દેશમાં બનતી (લોકલ) અને વિદેશથી આયાત થતી (ઈમ્પોર્ટેડ) તમામ દવાઓ આ નિયમ હેઠળ આવરી લેવાશે.
* કઈ દવાઓ પર આ નિયમ લાગુ કરવો તેની એક ફાઈનલ યાદી નિષ્ણાતોની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવશે.
* ભાવ ઘટવાથી બજારમાં દવાની અછત ન સર્જાય તે માટે સરકારે દવા કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેમણે પોતાનું વર્તમાન ઉત્પાદન (પ્રોડક્શન) ચાલુ જ રાખવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેન્સરની મોંઘી દવાઓ અને સારવાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા દવાઓ પર લેવામાં આવતા તોતિંગ માર્જિન પર કોર્ટે કડક સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે સામાન્ય માણસ પર પડતો દવાનો ખર્ચ ઘટાડવા માટે દવાઓ પર એક સીમિત માર્જિન નક્કી કરવામાં આવે.
2019માં પણ લેવાયું હતું આવું જ પગલું
સરકારનું કહેવું છે કે આ નવો નિર્ણય વર્ષ 2019માં લેવાયેલા પગલાનો જ આગળનો ભાગ છે. યાદ રહે કે 2019 માં સરકારે 526 બ્રાન્ડની કેન્સરની દવાઓના ભાવ કંટ્રોલ કર્યા હતા, જેનાથી તે સમયે દર્દીઓના વાર્ષિક 984 કરોડ રૂપિયા બચ્યા હોવાનું સામે આવ્યું હતું.
સરકારના આ લેટેસ્ટ નિર્ણયથી હવે કેન્સરની મોંઘી સારવાર સામાન્ય માણસ માટે વધુ સસ્તી અને પરવડે તેવી બનશે. ટ્રેડ માર્જિન લિમિટ થવાથી દર્દીઓ પર પડતો આર્થિક બોજ હળવો થશે અને તેમને મોટી રાહત મળશે.