China US tension: ચીનનાં એક દાવથી અમેરિકા લાચાર, ફક્ત થોડા મહિનામાં જ ખૂટી પડશે આ જરૂરી વસ્તુ!
China US tension: ચીનના રેર અર્થ મિનરલ્સ પરના નિયંત્રણથી અમેરિકાની હાલત કફોડી બની છે. ખાસ કરીને યટ્રિયમ જેવી દુર્લભ ધાતુની સપ્લાય રોકાતા અમેરિકા પાસે ફક્ત થોડા મહિનાનો સ્ટોક બચ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
ચીનના રેર અર્થ મિનરલ્સ પરના નિયંત્રણથી અમેરિકાની હાલત કફોડી બની છે.
China US tension: દુનિયાની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ, ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે. ચીને પોતાના એક એવા હથિયારનો ઉપયોગ કર્યો છે, જેની સામે અમેરિકા જેવો શક્તિશાળી દેશ પણ લાચાર દેખાઈ રહ્યો છે. આ હથિયાર છે 'રેર અર્થ' એટલે કે દુર્લભ ખનીજોની સપ્લાય, જેના પર ચીનનો લગભગ એકાધિકાર છે.
ચીને અમેરિકાની કઈ નસ દબાવી?
ચીન વૈશ્વિક સ્તરે રેર અર્થ તત્વોનો સૌથી મોટો સપ્લાયર છે. તાજેતરમાં, ચીને અમેરિકા માટે કેટલાક રેર અર્થ તત્વોની સપ્લાય ફરી શરૂ કરી છે, પરંતુ યટ્રિયમ નામની એક અત્યંત મહત્વપૂર્ણ ધાતુની નિકાસ પર કડક નિયંત્રણ જાળવી રાખ્યું છે. આ એ જ ધાતુ છે જેનો ઉપયોગ અમેરિકાના સંરક્ષણ અને ટેકનોલોજી સેક્ટર માટે કરોડરજ્જુ સમાન છે.
યટ્રિયમનો ઉપયોગ નીચે મુજબના ક્ષેત્રોમાં થાય છે:
* જેટ એન્જિન
* મિસાઈલ સિસ્ટમ્સ
* લેઝર ટેકનોલોજી
* હાઈ-ટેમ્પરેચર સેમિકન્ડક્ટર
* એડવાન્સ્ડ કોટિંગ અને સિરેમિક્સ
આના પરથી સમજી શકાય છે કે યટ્રિયમની અછત અમેરિકા માટે કેટલી ગંભીર સાબિત થઈ શકે છે.
અમેરિકા પાસે કેટલો સ્ટોક બચ્યો છે?
આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. એપ્રિલ મહિના પહેલા અમેરિકા તેની જરૂરિયાતનું 93% યટ્રિયમ સીધું ચીનથી આયાત કરતું હતું, જ્યારે બાકીનું 7% પણ ચીનમાં પ્રોસેસ થયેલા મટિરિયલ્સમાંથી આવતું હતું. ચીને એપ્રિલથી તેની નિકાસમાં 30%નો ઘટાડો કર્યો છે, જેના કારણે અમેરિકામાં તેની સપ્લાય લગભગ ઠપ્પ થઈ ગઈ છે. એક ટ્રેડરના જણાવ્યા મુજબ, અમેરિકામાં યટ્રિયમનો ભંડાર 200 ટનથી ઘટીને માત્ર 5 ટન રહી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્ટોક હવે ફક્ત થોડા મહિનામાં જ ખતમ થઈ જશે.
ચીનની તાકાતનું રહસ્ય શું છે?
સવાલ એ થાય કે શું યટ્રિયમ ફક્ત ચીનમાં જ મળે છે? તો જવાબ છે, ના. આ દુર્લભ ધાતુ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ મળી આવે છે. પરંતુ અસલી તાકાત તેને કાઢવામાં નહીં, પરંતુ તેને રિફાઈન (શુદ્ધ) કરવામાં છે. રેર અર્થ તત્વોને રિફાઈન કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ અને પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. ચીને આ ક્ષમતા વિકસાવવા માટે દાયકાઓનો સમય અને સંસાધનો લગાવ્યા છે. આજે દુનિયાના મોટાભાગના દેશો પાસે આટલી મોટી માત્રામાં તેને પ્રોસેસ કરવાની ટેકનોલોજી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ જ કારણ છે કે કાચો માલ હોવા છતાં અમેરિકા જેવા દેશો ચીન પર નિર્ભર છે. આમ, ચીને રેર અર્થની સપ્લાય ચેઇનને એક એવા વ્યૂહાત્મક હથિયાર તરીકે વિકસાવી છે, જેનો ઉપયોગ કરીને તે અમેરિકાને પણ ઘૂંટણિયે લાવી શકે છે.