France Exposed China: ચીનની રાફેલ વિરુદ્ધ ષડયંત્રની ખુલી પોલ, ઓપરેશન સિંદૂરમાં ફેલાવી હતી અફવા
France Exposed China: ફ્રાંસે ચીનના દૂતાવાસો દ્વારા રાફેલ ફાઈટર જેટની બદનામી માટે ચલાવવામાં આવેલા અભિયાનનો કર્યો પર્દાફાશ, રાફેલ જેટ અને અન્ય હેવી વેપન્સની વેચાણ ફ્રાંસના રક્ષા ઉદ્યોગ માટે મોટો બિઝનેસ લાવે છે, જે સરકારને ભારત અને એશિયાના અન્ય દેશો સાથે સંબંધો મજબૂત કરવામાં મદદ કરે છે.
ફ્રાંસની ગુપ્તચર સેવાએ જણાવ્યું કે ચીનના વિદેશી દૂતાવાસોમાં રક્ષા અટૅશે રાફેલની વેચાણને નબળી પાડવા માટે એક સુનિયોજિત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
France Exposed China: ફ્રાંસના સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ચીને ફ્રાંસના અગ્રણી ફાઈટર જેટ રાફેલનું વેચાણ ઘટાડવા અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પોતાના દૂતાવાસોનો દુરુપયોગ કર્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારતના છ વિમાનો, જેમાં રાફેલનો પણ સમાવેશ હતો, તેને તોડી પાડવાનો દાવો કર્યો હતો, જેને ભારતીય સેનાએ સચોટ રીતે નકારી કાઢ્યો હતો. આ ઘટના બાદ ઘણા દેશોમાં રાફેલની કામગીરી અંગે સવાલો ઉઠવા લાગ્યા. હવે ફ્રાંસે આ મામલે સંપૂર્ણ સત્ય બહાર લાવ્યું છે.
ચીનનું રાફેલ વિરુદ્ધ ગુપ્ત અભિયાન
ફ્રાંસની ગુપ્તચર સેવાએ જણાવ્યું કે ચીનના વિદેશી દૂતાવાસોમાં રક્ષા અટૅશે રાફેલની વેચાણને નબળી પાડવા માટે એક સુનિયોજિત અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ અન્ય દેશોને ફ્રાંસના ફાઈટર જેટ ખરીદવાથી રોકવા અને તેના બદલે ચીનના બનાવટના જેટ વિમાનો પસંદ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસે ફ્રાંસની ગુપ્તચર સેવાના તારણોને ટાંકીને આ માહિતી આપી છે. હવે ફ્રાંસ રાફેલ વિરુદ્ધ ફેલાવવામાં આવેલી અફવાઓનો સામનો કરી રહ્યું છે.
રાફેલનું વેચાણ ફ્રાંસ માટે શા માટે મહત્વનું?
રાફેલ જેટ અને અન્ય હેવી વેપન્સની વેચાણ ફ્રાંસના રક્ષા ઉદ્યોગ માટે મોટો બિઝનેસ લાવે છે, જે સરકારને ભારત અને એશિયાના અન્ય દેશો સાથે સંબંધો મજબૂત કરવામાં મદદ કરે છે. બીજી તરફ, ચીન પોતાને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. ફ્રાંસના અધિકારીઓનું કહેવું છે કે મે મહિનામાં ભારત-પાકિસ્તાનની લડાઈ દરમિયાન પાકિસ્તાને ત્રણ રાફેલ સહિત પાંચ ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો, જેના પગલે અન્ય દેશોએ રાફેલની ક્ષમતા પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. આ દાવાની ભારતે પુષ્ટિ કરી નથી.
ભારતીય અધિકારીઓની પ્રતિક્રિયા
એર માર્શલ એ.કે. ભારતીએ ઓપરેશન સિંદૂર અંગેની પ્રેસ બ્રીફિંગમાં રાફેલ જેટ તોડી પાડવામાં આવ્યાના સમાચારો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નુકસાન એ કોઈપણ યુદ્ધનો ભાગ છે. આ ઉપરાંત, ભારતીય નૌસેનાના અધિકારી કેપ્ટન શિવ કુમારે ગયા મહિને જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં કેટલીક મર્યાદાઓને કારણે ભારતે કેટલાક ફાઈટર જેટ ગુમાવ્યા હતા, પરંતુ તેમણે પાંચ ફાઈટર જેટ ગુમાવ્યાના દાવા સાથે સંમતિ દર્શાવી ન હતી. રાફેલ જેટ બનાવનારી કંપની ડસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરે પાકિસ્તાનના દાવાને નકારી કાઢતા તેને ખોટો ગણાવ્યો હતો. ફ્રેન્ચ મેગેઝિન ચેલેન્જેસ સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે મે મહિનામાં ભારત-પાકિસ્તાનના ચાર દિવસના સંઘર્ષ દરમિયાન ત્રણ રાફેલ જેટ તોડી પાડવામાં આવ્યા નથી.
ચીનનું ઓનલાઈન ગેરમાહિતી અભિયાન
ફ્રાંસના અધિકારીઓનું કહેવું છે કે તેઓ પાકિસ્તાન અને ચીન દ્વારા રાફેલને બદનામ કરવા અને ઓનલાઈન ગેરમાહિતી ફેલાવવાના કથિત સંગઠિત અભિયાનનો સામનો કરી રહ્યા છે. આ અભિયાનમાં રાફેલના કથિત મલબાની ટેમ્પર્ડ ઈમેજ, એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ અને 1,000થી વધુ નવા બનાવેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ હતો, જેનો હેતુ ચીનની ટેકનોલોજીને શ્રેષ્ઠ ગણાવવાનો હતો. ફ્રેન્ચ ગુપ્તચર સેવાએ જણાવ્યું કે ચીનના દૂતાવાસના રક્ષા અધિકારીઓએ અન્ય દેશોના સમકક્ષો અને સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠકોમાં આવી જ બાબતોનું પુનરાવર્તન કર્યું. ગુપ્તચર માહિતી અનુસાર, ચીનના અધિકારીઓએ ખાસ કરીને એવા દેશો પર પોતાની લોબિંગ ધ્યાન કેન્દ્રિત કરી, જેમણે રાફેલનો ઓર્ડર આપ્યો છે અથવા જે ફ્રાંસના ફાઈટર જેટના સંભવિત ગ્રાહક છે.