Country's energy demand: આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું તેની સીધી અસર દેશની વીજ માંગ પર પડી છે. કોરોના પછી પહેલી વાર ઓક્ટોબરમાં વીજ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારી આંકડા પ્રમાણે, ઓક્ટોબરમાં કુલ વીજ ઉત્પાદન 142.45 બિલિયન કિલોવોટ-અવર્સ રહ્યું, જે ગયા વર્ષ કરતાં 6 ટકા ઓછું છે.
આનું મુખ્ય કારણ ઓક્ટોબરમાં પણ ચાલુ રહેલો વરસાદ અને તેનાથી નીચું તાપમાન છે. વરસાદને લીધે એસી, કૂલર જેવા કુલિંગ ઉપકરણોનો ઉપયોગ ઓછો થયો. સાથે જ દશેરા અને દિવાળીની રજાઓને કારણે ઔદ્યોગિક અને વ્યવસાયિક કામકાજ પણ ઘટ્યું, જેની અસર વીજ વપરાશ પર પડી.
બીજી તરફ, દિવાળીની રજાઓમાં લોકો ઘરે પરત ફર્યા અને પ્રવાસ વધ્યો, તેનાથી પેટ્રોલની માંગમાં નોંધપાત્ર વધારો થયો. ઓઈલ મિનિસ્ટ્રીના પ્રાથમિક ડેટા મુજબ, ઓક્ટોબરમાં પેટ્રોલ વપરાશ 36.50 લાખ ટન રહ્યો, જે ગયા વર્ષના 34.10 લાખ ટનની સરખામણીએ 7.03 ટકા વધુ છે.
જોકે, ડીઝલની વાત કરીએ તો ચિત્ર જુદું છે. ઓક્ટોબરમાં ડીઝલ વેચાણ 76 લાખ ટન રહ્યું, જે ગયા વર્ષ કરતાં 0.48 ટકા ઓછું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, જાહેર પરિવહનમાં વીજસંચાલિત બસો અને CNG વાહનોનો વધતો ઉપયોગ ડીઝલની માંગ ઘટાડી રહ્યો છે. ટ્રક, વ્યવસાયિક વાહનો અને ખેતીનાં યંત્રો હજુ ડીઝલ પર આધારિત છે, પરંતુ વીજ વાહનોની માંગ વધવાથી ભવિષ્યમાં ડીઝલ પર વધુ દબાણ આવી શકે છે.