Gujarat ATS Terrorists Arrested: ગુજરાતની સુરક્ષા એજન્સીઓએ એક મોટી આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ 4 દિવસ પહેલા કલોલના શેરથા વિસ્તારમાંથી ડૉ. અહેમદ સૈયદ નામના આતંકીને હથિયારો સાથે ઝડપી લીધો હતો. ત્યાર બાદ આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાનની પણ ધરપકડ કરવામાં આવી. આ ત્રણેય આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા છે, અને તેમની પાસેથી પાકિસ્તાન સરહદ પરથી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા હથિયારો જપ્ત કરાયા હતા.
પૂછપરછ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આતંકીઓ રાઈઝીન નામનું અત્યંત ખતરનાક ઝેર તૈયાર કરી રહ્યા હતા. ડૉ. અહેમદ સૈયદ પાસેથી 4 લિટર કેસ્ટર ઓઇલ મળી આવ્યું, જેનો ઉપયોગ રાઈઝીન બનાવવા માટે થતો હતો. આ ઝેર સાઈનાઈટ કરતાં પણ વધુ ઘાતક છે – ખોરાકમાં કે હવામાં ભેળવી દેવાથી ગણતરીની મિનિટોમાં અનેક લોકોના જીવ જઈ શકે છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવું ઝેરી હથિયાર વાપરવાનું કાવતરું સામે આવ્યું છે.
ડૉ. અહેમદ સૈયદ, જે હૈદરાબાદમાં રહે છે, તે ડોઢ મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો. તેણે કલોલ પાસેથી રોકડ ભરેલું પાર્સલ લીધું અને પરત ગયો. આ પૈસા રાઈઝીન ઝેર બનાવવા માટે વાપરવામાં આવ્યા હતા. વધુ ફંડની માંગણી પણ કરી હતી. અમદાવાદમાં તે લાલ દરવાજા વિસ્તારની એક હોટલમાં રોકાયો અને નરોડા ફ્રુટ માર્કેટની રેકી કરી. ATSએ હોટલ માલિકની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. નરોડા માર્કેટના સીસીટીવી પણ તપાસાઈ રહ્યા છે.
સૌથી મોટો ખુલાસો એ છે કે આ ત્રણેય આતંકીઓએ પાકિસ્તાનથી મળેલી સૂચના મુજબ દિલ્હીના આઝાદ મેદાન અને લખનઉમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્ય કાર્યાલયની રેકી કરી હતી. આ સ્થળોને નિશાન બનાવીને મોટા હુમલાની યોજના હતી. ગુજરાત ATS હવે દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંપર્ક કરીને વધુ તપાસ કરશે.