Developing Country: ચીન, જે વિશ્વની બીજી સૌથી મોટી ઇકોનોમી અને અમેરિકાને ટક્કર આપનાર સુપરપાવર છે, તેણે વિશ્વ વેપાર સંગઠન (WTO)માં પોતાનો 'વિકાસશીલ દેશ'નો દરજ્જો જાળવી રાખ્યો છે. જોકે, ચીને જાહેરાત કરી છે કે તે ભવિષ્યના WTO સમજૂતીઓમાં 'સ્પેશિયલ એન્ડ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ' (SDT)ના લાભોની માગણી નહીં કરે. આ નિર્ણય અમેરિકાના દબાણ બાદ આવ્યો છે, જે લાંબા સમયથી ચીનને આવા લાભો છોડવાની માગણી કરતું હતું.
ચીનના WTO મિશનના પ્રભારી લી યિહોંગે જણાવ્યું, "આ નિર્ણયથી ચીનના વિકાસશીલ દેશના દરજ્જામાં કોઈ ફેરફાર થશે નહીં. ચીન ગ્લોબલ સાઉથનો મહત્વનો સભ્ય છે અને હંમેશા વિકાસશીલ દેશ તરીકે ઓળખાશે." આ જાહેરાત ચીનના વડાપ્રધાન લી કિયાંગે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની બેઠક દરમિયાન કરી હતી.
ભારત માટે શું છે ચેલેન્જ?
ચીનનો આ નિર્ણય ભારત જેવા વિકાસશીલ દેશો માટે મોટી ચેલેન્જ ઊભી કરે છે. ભારત પણ WTOમાં વિકાસશીલ દેશની શ્રેણીમાં આવે છે અને તેને ટેરિફ અને સબસિડી જેવા લાભો મળે છે. પરંતુ ચીન જેવી મજબૂત ઇકોનોમી આ જ દરજ્જાનો લાભ લઈને ભારતની સ્પર્ધામાં આગળ નીકળે છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશો લાંબા સમયથી દલીલ કરે છે કે ચીનની વિશાળ ઇકોનોમીને હવે આવા લાભોની જરૂર નથી.
ચીનનો આ નિર્ણય વૈશ્વિક ટ્રેડ સિસ્ટમમાં નવી ચર્ચાઓને જન્મ આપી શકે છે. ભારતે હવે વધુ રણનીતિક રીતે WTOમાં પોતાની સ્થિતિને મજબૂત કરવી પડશે, જેથી ચીન જેવા દેશો સામે સ્પર્ધામાં ટકી શકે. આ ઉપરાંત, વૈશ્વિક ટ્રેડ નિયમોમાં પારદર્શિતા અને ન્યાયીપણું જાળવવા માટે ભારતે અન્ય વિકાસશીલ દેશો સાથે મળીને કામ કરવું પડશે.