ટ્રમ્પની નવી માંગથી રાજકીય ગરમાવો: ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરો, લોકોએ કહ્યું- ક્યાંક ન્યૂ ઈન્ડિયા ન કરી દે! | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પની નવી માંગથી રાજકીય ગરમાવો: ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરો, લોકોએ કહ્યું- ક્યાંક ન્યૂ ઈન્ડિયા ન કરી દે!

Donald Trump New Mexico: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરવાનું સૂચન કરતાં નવો વિવાદ સર્જાયો છે. જાણો આ મુદ્દે અમેરિકન નેતાઓ અને લોકોની શું પ્રતિક્રિયા છે.

અપડેટેડ 11:39:17 AM Oct 21, 2026 પર
Story continues below Advertisement
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે નામ બદલવાની વાત કરી હોય. અગાઉ તેમણે ગલ્ફ ઓફ મેક્સિકો નું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા અને લેક ઓન્ટારિયો નું નામ લેક અમેરિકા કરવાનું સૂચન કર્યું હતું.

Donald Trump New Mexico: શું અમેરિકાના નકશા પરથી કોઈ રાજ્યનું નામ બદલાઈ જશે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ચર્ચા અને સોશિયલ મીડિયા પર મજાકનો દોર શરૂ થઈ ગયો છે. સોમવારે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ન્યૂ મેક્સિકો રાજ્યનું તાત્કાલિક નામ બદલીને ન્યૂ અમેરિકા રાખવાની ભલામણ કરી છે.

ટ્રમ્પે નામ બદલવાની કેમ કરી માંગ?

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં દલીલ કરી છે કે આ રાજ્ય કોઈ મેક્સિકો દેશનો ભાગ નથી, પરંતુ તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નો જ એક હિસ્સો છે. તેમના મતે, જો રાજ્યનું નામ ન્યૂ અમેરિકા કરવામાં આવે, તો તેની પ્રતિષ્ઠા અને મહત્વ વધશે. સાથે જ ત્યાં રહેતા નાગરિકોમાં અમેરિકન ધ્વજ અને દેશ પ્રત્યે ગર્વની લાગણી વધુ મજબૂત બનશે.

સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજાક

આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે નામ બદલવાની વાત કરી હોય. અગાઉ તેમણે ગલ્ફ ઓફ મેક્સિકો નું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા અને લેક ઓન્ટારિયો નું નામ લેક અમેરિકા કરવાનું સૂચન કર્યું હતું. આ સિલસિલાને જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો કટાક્ષમાં ત્યાં સુધી કહી દીધું કે, "જો આમ જ ચાલશે તો ટ્રમ્પ ભવિષ્યમાં આખા અમેરિકાનું નામ બદલીને ન્યૂ ઇન્ડિયા કરી દેશે!"


રાજકીય નેતાઓનો ભારે વિરોધ

ટ્રમ્પના આ સૂચનનો અમેરિકન નેતાઓએ કડક શબ્દોમાં વિરોધ કર્યો છે:

સેનેટર બેન રે લુજાન: ડેમોક્રેટિક પાર્ટીના આ નેતાએ સ્પષ્ટ કહ્યું કે અમેરિકાની સ્થાપના થઈ તે પહેલાંથી ન્યૂ મેક્સિકોનો પોતાનો ઐતિહાસિક વારસો છે. અહીંના લોકોને પોતાના વતન અને નામ પર પૂરો ગર્વ છે, અને તેઓ પોતાની ઓળખ ક્યારેય નહીં ગુમાવે.

સેનેટર બર્ની સેન્ડર્સ: તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરતા સલાહ આપી કે સરકારે આવા નામ બદલવાના મુદ્દાઓ પર સમય બગાડવાને બદલે ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવનો ઉલ્લેખ કરીને સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

શું ખરેખર નામ બદલાશે?

માત્ર કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરવાથી રાજ્યનું નામ રાતોરાત બદલી શકાતું નથી. અમેરિકામાં કોઈપણ રાજ્યનું નામ બદલવા માટે કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી, હાલ પૂરતું ટ્રમ્પનું આ નિવેદન માત્ર એક સૂચન અને રાજકીય ચર્ચાનો વિષય જ બનીને રહી ગયું છે.

આ પણ વાંચો - ગુજરાતમાં ઘેરું બન્યું વીજ સંકટ! ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી 8 કલાકનો પાવર કાપ, ફેક્ટરીઓથી લઈને ખેતી સુધી બધું જ ઠપ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 21, 2026 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.