Gambhira Bridge Accident: વડોદરાના પાદરા-મૂજપુર ખાતે મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડવાની દુ:ખદ ઘટના બાદ બીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન અને તપાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં મૃતકોનો આંક વધીને 14 પર પહોંચ્યો છે, જ્યારે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.
આજે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગની સિનિયર ઓફિસર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ પર મુખ્ય ઇજનેર સી. પટેલ, એન. કે. પટેલ તેમજ અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા તપાસમાં જોડાયા છે. આ ટીમ બ્રિજના ધરાશાયી થવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી જવાબદારો સામે કડક પગલાં લઈ શકાય.
દુર્ઘટના બાદ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રની ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશનને વધુ ઝડપી બનાવ્યું છે. આજે સવારે ચાલેલા ઓપરેશન દરમિયાન નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો. આ સાથે મૃતકોની સંખ્યા 14 થઈ છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહીને રેસ્ક્યૂ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સંભવિત રાસાયણિક જોખમ પર નજર
ઓપરેશન દરમિયાન નદીમાં ડૂબેલા ટેન્કર અને વાહનોની શોધખોળ ચાલુ છે, જેમાં રસાયણ ભરેલા હોવાની શક્યતા છે. આવા વાહનોને કારણે કોઈ કટોકટી સર્જાય નહીં તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઓફિસર્સે પણ સ્થળની મુલાકાત લીધી હતી.
બ્રિજના નુકસાન પર નિયંત્રણ
જિલ્લા કલેક્ટરે બ્રિજના તૂટેલા ભાગને વધુ નુકસાન ન થાય તે માટે નિયંત્રિત રીતે તોડકામ કરવાની સૂચના આપી છે. તંત્ર હવે આ ઘટનાની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.