Gujarat petrol pump raids: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા, 16 પંપ પર ગેરરીતિ, દંડ વસૂલાયો
Gujarat petrol pump raids: તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક અને ઇન્સપેક્ટરો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં પણ વધુ તપાસ ચાલુ છે, અને ગેરરીતિમાં સંડોવાયેલા પંપો સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
તોલમાપ તંત્ર ગ્રાહકોને અપીલ કરે છે કે, પેટ્રોલ-ડીઝલ ખરીદતી વખતે પંપ પર પ્રમાણપત્રો અને માપની ચોકસાઈ તપાસો.
Gujarat petrol pump raids: ગુજરાતના તોલમાપ તંત્ર દ્વારા રાજ્યના 33 જિલ્લાઓમાં 18 અને 19 જુલાઈએ બે દિવસની વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં શહેરો અને હાઈવે પર આવેલા 267 પેટ્રોલ-ડીઝલ પંપોની આકસ્મિક તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 16 પંપો પર ગેરરીતિઓ જણાતાં કાયદેસર કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો.
શું હતી ગેરરીતિઓ?
તોલમાપ તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ દરોડા દરમિયાન અમુક પેટ્રોલ-ડીઝલ પંપો પર નીચેની ખામીઓ જોવા મળી.
* સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું.
* કેપેસિટી મેજરની ફેરચકાસણી અથવા મુદ્રાકન ન કરાવવું.
* ડિસ્પેન્સિંગ યુનિટની ચકાસણી ન કરાવવી.
* ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું.
આ ગેરરીતિઓ ગ્રાહકોની છેતરપિંડીનું કારણ બની શકે છે, જેની સામે કડક પગલાં લેવામાં આવ્યા.
કયા જિલ્લાઓમાં થઈ કાર્યવાહી?
આ ઝુંબેશમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી 16 પેટ્રોલ-ડીઝલ પંપો સામે કાર્યવાહી કરવામાં આવી. જેમાં અમદાવાદમાં 3, પંચમહાલમાં 2, અને વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર-સાબરકાંઠા તથા મોરબીમાં 1-1 પંપનો સમાવેશ થાય છે.
ગ્રાહક સુરક્ષા માટે ઝુંબેશ
નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા આ ઝુંબેશ ગ્રાહકોના હિતમાં હાથ ધરવામાં આવી હતી. રાજ્યના લોકો દૈનિક જરૂરિયાતો અને મુસાફરી માટે પેટ્રોલ-ડીઝલની ખરીદી કરે છે, પરંતુ ઘણીવાર ઓછું માપ અથવા અન્ય ગેરરીતિઓથી તેમની સાથે છેતરપિંડી થાય છે. આવી ઘટનાઓ રોકવા અને ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા આ ડ્રાઈવ યોજાઈ હતી.
હજુ પણ ચાલુ છે તપાસ
તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક અને ઇન્સપેક્ટરો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલમાં પણ વધુ તપાસ ચાલુ છે, અને ગેરરીતિમાં સંડોવાયેલા પંપો સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
ગ્રાહકો માટે સલાહ
તોલમાપ તંત્ર ગ્રાહકોને અપીલ કરે છે કે, પેટ્રોલ-ડીઝલ ખરીદતી વખતે પંપ પર પ્રમાણપત્રો અને માપની ચોકસાઈ તપાસો. જો કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક નજીકની ગ્રાહક સુરક્ષા કચેરીનો સંપર્ક કરો.