હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે
Gujarat weather update: રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ રાહત ક્ષણિક નીવડી શકે છે, કારણ કે બે દિવસ બાદ રાજ્યભરમાં ગરમીનો પારો ફરી ઉંચકાવાની અને ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી પણ કરવામાં આવી છે.
આગામી બે દિવસ ક્યાં ક્યાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
ઉત્તર ગુજરાત:- બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત:- ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર:- કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન:-
શહેર
મહત્તમ તાપમાન (°C)
લઘુત્તમ તાપમાન (°C)
અમદાવાદ
37.8
27.6
ગાંધીનગર
37.4
27.5
ડીસા
37.1
27.4
રાજકોટ
38.5
25.4
સુરેન્દ્રનગર
38.8
27.6
કંડલા એરપોર્ટ
38.0
25.9
વડોદરા
36.4
27.8
સુરત
36.3
27.8
અમરેલી
36.1
23.7
દ્વારકા
32.7
28.6
હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, જોકે કેટલાક સ્થળોએ પારો 38 ડિગ્રીને પાર પણ પહોંચ્યો છે.
બે દિવસ બાદ ગરમીમાં વધારો થશે
વરસાદી માહોલ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે બે દિવસના વરસાદી સ્પેલ બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને ગરમીનો નવો રાઉન્ડ લોકોને પરેશાન કરી શકે છે. આથી, નાગરિકોને આગામી દિવસોમાં ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.