ગુજરાતનું માનસિક સ્વાસ્થ્ય ચિંતાજનક: ડિપ્રેશનના કેસ બમણા, દર 1 લાખે 1700 સામે માત્ર 318 મનોચિકિત્સક!
Mental Health in Gujarat: ગુજરાતમાં મેન્ટલ હેલ્થની કટોકટી! છેલ્લા 5 વર્ષમાં ડિપ્રેશન અને એન્ગ્ઝાયટીના કેસ બમણા થયા છે. WHOના સ્ટાન્ડર્ડ મુજબ 1 લાખ લોકો પર 1700 મનોચિકિત્સકોની જરૂર છે, પણ ગુજરાતમાં ફક્ત 318 જ ઉપલબ્ધ છે. જાણો આ ચિંતાજનક આંકડા અને તેની પાછળના કારણો.
આજની ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલ અને ગળાકાપ સ્પર્ધાના યુગમાં માનસિક સ્વાસ્થ્ય એક મોટી સમસ્યા બનીને સામે આવી રહ્યું છે.
Mental Health in Gujarat: આજની ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલ અને ગળાકાપ સ્પર્ધાના યુગમાં માનસિક સ્વાસ્થ્ય એક મોટી સમસ્યા બનીને સામે આવી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં આંકડા ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં જ ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી એટલે કે બેચેનીના કેસોમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, વધતા જતા કેસોની સામે નિષ્ણાત ડોક્ટરોની સંખ્યામાં ભારે અછત છે.
આંકડા જે ચિંતા વધારી રહ્યા છે
સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2019-20માં ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા દર્દીઓની સંખ્યા 1.02 લાખ હતી, જે 2024-25 સુધીમાં વધીને 2.08 લાખ પર પહોંચી ગઈ છે. આ જ રીતે, પાંચ વર્ષ પહેલાં એન્ગ્ઝાયટીના 97,900 કેસ હતા, જે હવે વધીને 1.81 લાખને પાર કરી ગયા છે.
સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમદાવાદની સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં જ્યાં દરરોજ સરેરાશ 200 દર્દીઓ આવતા હતા, ત્યાં હવે રોજના 400થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.
નિષ્ણાતોની ભારે અછત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડો અનુસાર, દર 1 લાખની વસ્તી પર ઓછામાં ઓછા 1700 મનોચિકિત્સકો હોવા જોઈએ. પરંતુ ગુજરાતમાં આ જરૂરિયાત સામે માત્ર 318 મનોચિકિત્સકો જ ઉપલબ્ધ છે. આ માત્ર મનોચિકિત્સકોની જ વાત નથી, અન્ય મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની પણ એટલી જ અછત છે.
* મનોચિકિત્સકો: 1700ની જરૂરિયાત સામે માત્ર 318
* નિદાન કરતા મનોવૈજ્ઞાનિકો: 700ની જરૂરિયાત સામે માત્ર 14
* મનોરોગ સામાજિક કાર્યકર્તાઓ: 700ની જરૂરિયાત સામે માત્ર 58
* માનસિક સ્વાસ્થ્યમાં પ્રશિક્ષિત નર્સ: 3800ની જરૂરિયાત સામે માત્ર 936
યુવાનો અને ટીનેજર્સ સૌથી વધુ પ્રભાવિત
નિષ્ણાતોના મતે, આધુનિક જીવનશૈલી, સોશિયલ મીડિયા પર દેખાદેખી અને કરિયરને લગતું પ્રેશર જેવાં કારણોસર હવે ટીનેજર્સ અને યુવાનોમાં માનસિક સમસ્યાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનસ હેલ્પલાઇન પર દરરોજ સરેરાશ 200 જેટલા કોલ્સ આવે છે, જેમાં પરીક્ષાના સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
જોકે, એક સકારાત્મક પાસું એ પણ છે કે લોકોમાં હવે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી છે. પહેલાં લોકો આવી સમસ્યાઓ વિશે વાત કરતાં ખચકાતા હતા, પણ હવે તેઓ મદદ લેવા માટે આગળ આવી રહ્યા છે, જે પણ કેસો વધવાનું એક કારણ છે. પરંતુ આ વધતી જાગૃતિ સામે પૂરતા પ્રમાણમાં નિષ્ણાતો ન હોવાથી હેલ્થકેર સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.