H-1B વિઝાની ફી 1 લાખ ડોલર! છતાં ભારતીયોનો દબદબો રહેશે? CM ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું કારણ
H-1B Visa: અમેરિકામાં H-1B વિઝાની ફી 1 લાખ ડોલર કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પ્રતિક્રિયા આપી છે. જાણો શા માટે તેઓ તેને 'અસ્થાયી ઝટકો' માને છે અને ભારતીયોનું ભવિષ્ય કેવું રહેશે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે આ ફી વધારાને એક ‘અસ્થાયી ઝટકો’ ગણાવ્યો છે.
H-1B Visa: અમેરિકા જવા માગતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા કાર્યક્રમમાં મોટા ફેરફારો કર્યા છે, જે હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી પ્રોફેશનલ્સને નોકરી પર રાખી શકે છે. નવા નિયમ મુજબ, 21 સપ્ટેમ્બર, 2025 પછી કરવામાં આવેલી નવી વિઝા અરજીઓ પર 1 લાખ યુએસ ડોલર અંદાજે 83 લાખ રૂપિયાનો તોતિંગ વધારાનો શુલ્ક લગાવવામાં આવશે. આ નિર્ણયની ભારતીય આઇટી સેક્ટર પર મોટી અસર થવાની શક્યતા છે.
આ નિર્ણય પર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે આ ફી વધારાને એક ‘અસ્થાયી ઝટકો’ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં H-1B વિઝા પર જનારા ભારતીયોમાં સૌથી વધુ સંખ્યા આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના આઇટી પ્રોફેશનલ્સની હોય છે.
અમેરિકા આપણા પર નિર્ભર રહેવા મજબૂર: નાયડુ
ચંદ્રબાબુ નાયડુ, જેમને બે દાયકા પહેલાં હૈદરાબાદને સાયબર હબ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, તેમણે જણાવ્યું કે ભારતીય આઇટી પ્રોફેશનલ્સની કુશળતા અને ઓછા ખર્ચે કામ કરવાની ક્ષમતાને કારણે દુનિયાભરમાં તેમની માંગ હંમેશા રહેશે. તેમણે કહ્યું, “ખર્ચ ખૂબ જ મહત્વનો છે. ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો ઓછા ખર્ચે ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે. આ કારણે જ અમેરિકા આપણા પર નિર્ભર રહેવા માટે મજબૂર છે. આ સ્થિતિ ભવિષ્યમાં પણ યથાવત રહેશે.” નાયડુએ ઉમેર્યું કે, શરૂઆતમાં ટ્રમ્પે વિઝા કાર્યક્રમના ‘દુરુપયોગ’ને રોકવા માટે ફી વધારાની વાત કરી હતી, પરંતુ હવે તેમણે પોતે સ્વીકાર્યું છે કે અમેરિકાને બહારથી ‘પ્રતિભાઓને લાવવાની’ જરૂર છે, કારણ કે દેશમાં જટિલ ભૂમિકાઓ માટે પૂરતી પ્રતિભાઓ નથી.
ભારતમાં જ નવી તકો ઉભી કરાશે
જ્યારે નાયડુને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિઝાના નવા નિયમોને કારણે પરત ફરતા આઇટી નિષ્ણાતોને તક આપશે, ત્યારે તેમણે સકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, “ભારતીયો પર કોઈપણ પ્રતિબંધ તેમની પ્રગતિને રોકી શકશે નહીં. કેટલાક લોકોને નુકસાન થશે, પરંતુ આપણે તેમની ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે.”
તેમણે ઉમેર્યું કે ભારત હવે સ્વદેશી 4G ટેકનોલોજીથી લઈને સેટેલાઇટ, ડ્રોન, AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રોમાં ભારતીય નિષ્ણાતો માટે ઘણી નવી તકો ઊભી કરવામાં આવશે. આમ, વિઝાના કડક નિયમો છતાં ભારતીય પ્રતિભાઓ માટે વિકાસના દરવાજા બંધ નહીં થાય.