પોસ્ટમાં લુબિમોવે લખ્યું, "ટ્રમ્પની ટેરિફ નીતિમાં ભૂ-રાજનીતિક રણનીતિનો સમાવેશ નથી. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે,
India-US Tariffs: કેનેડાના પ્રખ્યાત બિઝનેસમેન અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક લુબિમોવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધની નીતિની તીખી ટીકા કરી છે. અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યા અને રશિયન તેલ તેમજ હથિયારોની ખરીદીને લઈને પ્રતિબંધો જાહેર કર્યા છે. લુબિમોવે આ નીતિને અમેરિકા માટે "રણનીતિક આત્મઘાત" ગણાવી છે, જે ચીન અને બ્રિક્સને નબળા પાડવાના અમેરિકાના લક્ષ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતને નજરઅંદાજ કરવું ખતરનાક
રવિવારે એક પોસ્ટમાં લુબિમોવે લખ્યું, "ટ્રમ્પની ટેરિફ નીતિમાં ભૂ-રાજનીતિક રણનીતિનો સમાવેશ નથી. ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે." તેમણે વ્યંગ કરતાં કહ્યું, "જો અમેરિકા ચીનના પ્રભાવને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ઘટાડવા માંગે છે, તો ભારત શ્રેષ્ઠ વિકલ્પ છે. અમેરિકા 50 સેન્ટનું ટૂથબ્રશ તો બનાવવાનું નથી!"
ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય
ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયા પર નિશાન સાધતાં કહ્યું, "મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. બંને પોતાની મરેલી અર્થવ્યવસ્થા સાથે ડૂબી શકે છે." તેમણે 1 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતી તમામ વસ્તુઓ પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત, રશિયન ક્રૂડ ઓઈલ અને સૈન્ય સાધનોની ખરીદી માટે વધારાની સજા જાહેર કરી. ટ્રમ્પે ભારતની ટ્રેડ પોલિસીને "કઠોર અને અપમાનજનક" ગણાવી અને દાવો કર્યો કે અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરે છે.
આ ઉપરાંત, અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા છે, જે ઈરાનના પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સના વેપારમાં સામેલ હતી. આ પગલું અમેરિકાના ગ્લોબલ પ્રતિબંધ કાર્યક્રમ હેઠળ લેવાયું છે.
ટ્રમ્પના "મરેલી અર્થવ્યવસ્થા"ના નિવેદનના જવાબમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું, "ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. અમે ગ્લોબલ વૃદ્ધિમાં 16% યોગદાન આપી રહ્યા છીએ." ગોયલે ઉમેર્યું કે ભારત હવે ગ્લોબલ ગ્રોથ એન્જિન બની ગયું છે.
અમેરિકાની નીતિ એશિયામાં પ્રભાવ ગુમાવશે?
લુબિમોવે ચેતવણી આપતાં કહ્યું, "આ દેશો લાંબા ગાળાની વિચારસરણી ધરાવે છે. ટ્રમ્પનો ચાર વર્ષનો કાર્યકાળ તેમના માટે માત્ર અસ્થાયી ઝટકો છે. અમેરિકાએ કેનેડા જેવા દેશોને સાથે લઈને આર્થિક સહયોગની નીતિ અપનાવવી જોઈએ, નહીં કે ટકરાવની."
I've said it before, and I'll say it again; The biggest problem with Donald Trump's tariff approach is that it has zero consideration to geopolitical strategy. Trump is now picking a fight with India, one of the fastest growing economies in the world whose Prime Minister, Modi,… pic.twitter.com/A0I7JNom6w
વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાનું ભારતને નિશાન બનાવવું ચીન વિરોધી રણનીતિને નુકસાન પહોંચાડી શકે છે. ભારત એકમાત્ર મોટો દેશ છે જે ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારતનું રશિયન તેલનું આયાત 1%થી પણ ઓછું હતું, જે હવે વધીને 35%થી વધુ થયું છે.