AIની રેસમાં ભારતની મોટી છલાંગ: અમેરિકા-ચીનને ટક્કર આપવા આવ્યું સ્વદેશી 'Kyvex'
Kyvex Indian AI Chatbot: ભારતમાં નવું AI સર્ચ એન્જિન Kyvex (કાઈવેક્સ) લોન્ચ થયું છે. આ 100% સ્વદેશી ટૂલ ડીપ રિસર્ચ પર ફોકસ કરે છે અને ChatGPT જેવા અમેરિકી-ચીની AI ને પડકાર આપશે. જાણો તેની ખાસિયતો.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં અત્યાર સુધી અમેરિકા અને ચીનનો જ દબદબો રહ્યો છે.
Kyvex Indian AI Chatbot: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં અત્યાર સુધી અમેરિકા અને ચીનનો જ દબદબો રહ્યો છે. પણ હવે આ રેસમાં ભારતે પણ જોરદાર એન્ટ્રી મારી છે. ભારતે પોતાનું સ્વદેશી AI સર્ચ એન્જિન 'Kyvex' (કાઈવેક્સ) લોન્ચ કર્યું છે. આ ટૂલને ChatGPT અને Grok જેવા અમેરિકન AI માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ ભારતીય ચેટબોટ વાપરવા માટે સંપૂર્ણપણે મફત છે.
શું છે Kyvex અને તે શું કરે છે?
Kyvex એ માત્ર સામાન્ય ચેટબોટ નથી. તે એક ખાસ AI આસિસ્ટન્ટ છે જે 'ડીપ રિસર્ચ' એટલે કે ઊંડાણપૂર્વક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીનો દાવો છે કે તે પોતાના લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) પર ચાલે છે, જેના કારણે તે ખૂબ જ સચોટ અને ઊંડાણપૂર્વક જવાબો આપી શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, રિસર્ચ અને પ્રોફેશનલ કામકાજમાં લોકોને મદદ કરવાનો છે.
100% 'મેડ ઈન ઈન્ડિયા'
આ AI ટૂલની સૌથી મોટી ખાસિયત તેનું 100% ભારતીય હોવું છે. તેને સંપૂર્ણપણે ભારતીય એન્જિનિયરો અને રિસર્ચરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેમાં કોઈ વિદેશી મદદ લેવામાં આવી નથી. આ ભારતની ટેક્નોલોજીની તાકાત દર્શાવે છે. આ પ્રોજેક્ટને IIT દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર પ્રો. રામગોપાલ રાવ, IIT ખડગપુરના પૂર્વ ડાયરેક્ટર પ્રો. પી.પી. ચક્રવર્તી અને IIIT હૈદરાબાદના ડાયરેક્ટર પી.જે. નારાયણન જેવા મોટા શિક્ષણવિદોનું પણ સમર્થન મળ્યું છે.
કોણે બનાવ્યું Kyvex?
Kyvex ના ફાઉન્ડર અને સીઈઓ (CEO) ભારતીય બિઝનેસમેન પર્લ કપૂર છે. તેમણે જણાવ્યું કે, "Kyvex એ ભારતના ભવિષ્ય માટે એક મોટી છલાંગ છે. અમે લોકોને માહિતી શોધવા અને રિસર્ચ કરવાની એક નવી રીત આપી રહ્યા છીએ." તેમનો ઉદ્દેશ્ય ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો છે.
અમેરિકા અને ચીન માટે મોટો પડકાર
અત્યારે AI માર્કેટમાં હરીફાઈ તીવ્ર છે. અમેરિકા પાસે Perplexity, ChatGPT અને Grok છે, જ્યારે ચીન પાસે DeepSeek જેવા પાવરફુલ ટૂલ છે. અત્યાર સુધી આ બે દેશો વચ્ચે જ જંગ ચાલતી હતી. OpenAIનું ChatGPT અને Meta AI (જે WhatsApp અને Instagram પર ઉપલબ્ધ છે) પણ ફ્રી છે. તેવામાં Kyvex પણ ફ્રી સુવિધા આપીને સીધી ટક્કર આપવા તૈયાર છે. હાલમાં, Kyvex વેબ પર વાપરી શકાય છે. કંપનીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં તેની એન્ડ્રોઇડ અને iOS એપ્સ પણ લોન્ચ કરવામાં આવશે, જેથી તે વધુ લોકો સુધી પહોંચી શકે.