Israel Political Crisis: ઈઝરાયલના રાજકારણમાં મોટો ભૂકંપ! ગાદી આઈઝનકોટને મળ્યો 67 સાંસદોનો ટેકો, પણ સરકાર બનાવવી હજુ કેમ છે મુશ્કેલ?
Israel Political Crisis: ઈઝરાયલના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. યશાર પક્ષના ગાદી આઈઝનકોટને 67 સાંસદોનો ટેકો મળ્યો છે, જ્યારે નેતન્યાહૂ 46 પર અટકી ગયા છે. જાણો સરકાર રચવામાં કયા અવરોધો છે.
ઈઝરાયલના પ્રમુખ આઇઝેક હર્ઝોગ સમક્ષ યોજાયેલી બેઠકોમાં 120 સભ્યોની સંસદ (નેસેટ) માંથી આઈઝનકોટને 67 સાંસદોનું સમર્થન મળ્યું છે, જ્યારે નેતન્યાહૂ માત્ર 46 સાંસદોના ટેકા પર જ અટકી ગયા છે.
Israel Political Crisis: રાજકારણમાં એક જૂની કહેવત છે કે આંકડાઓ ક્યારેક ચિત્ર સ્પષ્ટ કરી દે છે, તો ક્યારેક તેને વધુ ગૂંચવી નાખે છે. હાલમાં ઈઝરાયલના રાજકારણમાં પણ કંઈક આવો જ નાટ્યાત્મક વળાંક જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી સત્તા પર પકડ જમાવીને બેઠેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સામે 'યશાર' પક્ષના વડા ગાદી આઈઝનકોટ સ્પષ્ટ સરસાઈ મેળવતા દેખાઈ રહ્યા છે.
ઈઝરાયલના પ્રમુખ આઇઝેક હર્ઝોગ સમક્ષ યોજાયેલી બેઠકોમાં 120 સભ્યોની સંસદ (નેસેટ) માંથી આઈઝનકોટને 67 સાંસદોનું સમર્થન મળ્યું છે, જ્યારે નેતન્યાહૂ માત્ર 46 સાંસદોના ટેકા પર જ અટકી ગયા છે. જોકે, કાગળ પર આઈઝનકોટ બહુમતી માટે જરૂરી 61 બેઠકોનો આંકડો વટાવી ચૂક્યા છે, પરંતુ જમીની હકીકત સાવ અલગ છે. જે પક્ષોએ તેમને વડાપ્રધાન પદના મેન્ડેટ માટે ટેકો આપ્યો છે, તેમાંથી ઘણા પક્ષો તેમની સરકાર કે મંત્રીમંડળમાં સીધી રીતે જોડાવા તૈયાર નથી.
પ્રમુખના નિવાસસ્થાને પ્રથમ તબક્કાની ચર્ચા પૂર્ણ થયા બાદ આઈઝનકોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની વાત મૂકી હતી. તેમણે સ્વીકાર્યું કે બહુમતીનું સમર્થન મળ્યું હોવા છતાં સરકાર બનાવવાનો રસ્તો હજુ ઘણો લાંબો છે. તેમણે જણાવ્યું કે, "આ અઠવાડિયે ‘ચેન્જ એન્ડ રિપેર’ પક્ષો સાથે પ્રથમ રાઉન્ડની વાતચીત પૂરી થઈ છે. સરકાર રચવા માટે પ્રમુખ પાસેથી મેન્ડેટ મેળવવા મારી તરફેણમાં ભલામણ કરનારાઓની પૂર્ણ બહુમતી મળી છે. અમારો મુખ્ય હેતુ એક 'રાષ્ટ્રીય ઈમરજન્સી સરકાર' સ્થાપવાનો છે, જે આપણા દેશને ફરીથી સુરક્ષા અને સ્થિરતા તરફ પાછો લાવશે. આગળનો માર્ગ લાંબો છે, પરંતુ અમે દ્રઢનિશ્ચયી છીએ અને તેમાં સફળ થઈશું."
નેતન્યાહૂને મોટો ઝટકો: જૂના સાથી પક્ષે જ સાથ છોડ્યો
બીજી બાજુ, બેન્જામિન નેતન્યાહૂ માટે આ આંકડા ખૂબ જ નિરાશાજનક છે. નેતન્યાહૂને અગાઉ 53 સાંસદોનો ટેકો મળવાની આશા હતી, પરંતુ તેઓ 46 પર જ સમેટાઈ ગયા. આ પાછળનું મુખ્ય કારણ તેમનો પરંપરાગત અલ્ટ્રા-ઓર્થોડોક્સ સાથી પક્ષ ‘યુનાઈટેડ તોરાહ જુડેઈઝમ’ (UTJ) છે. UTJ પક્ષે આ વખતે નેતન્યાહૂ કે આઈઝનકોટ બેમાંથી કોઈને પણ સમર્થન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો, જેનાથી નેતન્યાહૂની તમામ રાજકીય ગણતરીઓ ઊંધી પડી ગઈ છે.
નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા 'જોઈન્ટ લિસ્ટ' નો ગેમચેન્જર નિર્ણય
'ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ' ના અહેવાલ પ્રમાણે, આ સમગ્ર રાજકીય સમીકરણમાં આરબ આગેવાની હેઠળની ‘જોઈન્ટ લિસ્ટ’ પાર્ટીનો નિર્ણય ગેમચેન્જર સાબિત થયો છે. અગાઉ એવા સંકેત હતા કે આ પક્ષ ભલામણની પ્રક્રિયાથી દૂર રહેશે, પરંતુ ગુરુવારે મળેલી બેઠકમાં તેમણે સર્વાનુમતે આઈઝનકોટનું નામ આગળ ધર્યું હતું. જોઈન્ટ લિસ્ટના અધ્યક્ષ યુસેફ જબારીને સ્પષ્ટ કહ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર નેતન્યાહૂને સત્તા પરથી દૂર રાખવાનો છે.
67 સાંસદોનો ટેકો હોવા છતાં સરકાર બનાવવી કેમ મુશ્કેલ છે?
માત્ર 48 સાંસદોનું જ બિનશરતી સમર્થન: અહેવાલ મુજબ, 67 માંથી માત્ર 48 સાંસદો જ એવા છે જેઓ કોઈપણ શરત વગર એકસાથે કામ કરવા તૈયાર છે. આ આંકડો નેતન્યાહૂના જૂના 53 બેઠકોના બ્લોક કરતા પણ 5 ઓછો છે.
મંત્રીમંડળમાં જોડાવા જોઈન્ટ લિસ્ટનો ઈનકાર: જોઈન્ટ લિસ્ટે વડાપ્રધાન પદના મેન્ડેટ માટે આઈઝનકોટને ટેકો આપ્યો છે, પરંતુ યહૂદી વિપક્ષ સાથે નીતિવિષયક મતભેદો હોવાથી તેઓ સરકારમાં મંત્રી તરીકે જોડાશે નહીં, માત્ર બહારથી ટેકો આપી શકે છે.
આરબ પક્ષો સામે લિબરમેનનો સખત વિરોધ: યિસરાયેલ બેઈતેનુ પક્ષના નેતા અવિગ્દોર લિબરમેને જાહેરાત કરી છે કે જે સરકાર આરબ પક્ષો (જોઈન્ટ લિસ્ટ અને રા'અમ) ના ટેકા પર ટકેલી હશે, તે સરકારનો તેઓ ભાગ બનશે નહીં.
સૈન્ય ભરતીનો વિવાદ: UTJ પક્ષ હરેદી પુરુષોને સૈન્ય સેવામાંથી મુક્તિ આપવાની માંગ પર અડગ છે, જ્યારે આઈઝનકોટના જૂથમાં રહેલા પક્ષો આ છૂટછાટનો સખત વિરોધ કરે છે. તેથી UTJ ને સાથે લેવું લગભગ અશક્ય છે.
નેતન્યાહૂનો આક્રમક વિરોધ અને અનુભવની કમી: નેતન્યાહૂ અને તેમનો લિકુડ પક્ષ પહેલેથી જ આરબ પક્ષોના ટેકાથી બનનારી સરકારની કાયદેસરતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. વળી, નેતન્યાહૂ પાસે જટિલ ગઠબંધન સાચવવાનો દાયકાઓનો અનુભવ છે, જ્યારે આઈઝનકોટ પાસે આવી રાજકીય સોદાબાજીનો પૂરતો અનુભવ નથી.
રવિવારે લેવાશે અંતિમ નિર્ણય
61 કરતા વધુ સાંસદોનો ટેકો મળ્યો હોવા છતાં, પ્રમુખ આઇઝેક હર્ઝોગે હજુ સુધી સત્તાવાર રીતે આઈઝનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ (મેન્ડેટ) આપ્યું નથી. સમાચાર એજન્સી ANI મુજબ, રવિવારે અંતિમ નિર્ણય લેતા પહેલા પ્રમુખ રાજકીય પક્ષો સાથે હજુ વધુ ચર્ચા-વિચારણા કરશે. હવે સમગ્ર વિશ્વની નજર રવિવારના નિર્ણય પર ટકેલી છે કે ઈઝરાયલમાં ખરેખર નેતન્યાહૂના યુગનો અંત આવશે કે પછી આ આંકડા માત્ર કાગળ પરની જીત બનીને રહી જશે.