Kandla Port: ભારતના દરિયાઈ વેપાર માટે ગત શનિવારનો દિવસ ગૌરવશાળી સાબિત થયો. દેશના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક, દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલાએ એક એવી સિદ્ધિ મેળવી છે, જેણે સમગ્ર શિપિંગ ઇન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું છે. કંડલા પોર્ટે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં 40 જહાજોનું સફળતાપૂર્વક હેન્ડલિંગ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
આ પહેલાં, ડિસેમ્બર 2023માં DPA કંડલાએ 38 જહાજોને હેન્ડલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, માત્ર થોડા જ મહિનામાં, પોર્ટે પોતાની ક્ષમતાને પાર કરીને 40 જહાજોના હેન્ડલિંગનો નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ તે પોર્ટની વધતી કાર્યક્ષમતા અને ભારતના મજબૂત બની રહેલા દરિયાઈ માળખાકીય સુવિધાઓનો પુરાવો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ DPA કંડલાના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહે (IRSME) તમામ હિતધારકો, પોર્ટના વપરાશકર્તાઓ, ટ્રેડ યુનિયનો, અધિકારીઓ, કર્મચારીઓ અને મહેનતુ શ્રમિકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, "આ સફળતા 'ટીમ DPA'ની સખત મહેનત, પ્રતિબદ્ધતા અને શિસ્તબદ્ધ કાર્યશૈલીનું પરિણામ છે." તેમણે ખાસ કરીને ટ્રાફિક મેનેજર, ડેપ્યુટી કન્ઝર્વેટર અને DPA પાઇલટ્સના યોગદાનની પ્રશંસા કરી, જેમણે આ ઓપરેશનને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ સિદ્ધિ ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બંદરોની વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.