Japan Airlines Fire: જાપાન એરલાઈન્સનું વિમાન મંગળવારે કોસ્ટ ગાર્ડ પ્લેન સાથે અથડાયા બાદ ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ભારે આગ ફાટી નીકળી હતી. અધિકારીઓ આગ ઓલવવા જહેમત ઉઠાવી રહ્યા છે. વિમાનમાં અચાનક આગ લાગવાથી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જાપાન એરલાઈન્સનું વિમાન હનેડા એરપોર્ટના રનવે પર આગની લપેટમાં છે. સોશિયલ મીડિયા પર આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્લેનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે.
જાપાની બ્રોડકાસ્ટર NHKના અહેવાલ મુજબ, અધિકારીઓ આગ બુઝાવી રહ્યા છે. બીબીસીના જણાવ્યા અનુસાર જાપાન એરલાઈન્સનું વિમાન મંગળવારે બપોરે ટોક્યોના હનેદા એરપોર્ટના રનવે પર ઉતરતાની સાથે જ આગમાં ભડકી ગયું હતું. NHK પરના ફૂટેજમાં પ્લેનની બારીઓમાંથી અને તેની નીચેથી જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી. રનવે પર પણ આગ દેખાઈ રહી છે.
NHKએ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હનેડામાં ઉતર્યા બાદ પ્લેન અન્ય ફ્લાઈટ સાથે અથડાઈ શકે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ફ્લાઈટ જેએએલ 516 હોકાઈડોથી ઉડાન ભરી હતી. ટોક્યો ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે પ્લેન અને જાપાન કોસ્ટ ગાર્ડ પ્લેન વચ્ચે અથડામણને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. તે જ સમયે, પરિવહન અને પર્યટન મંત્રાલયે કહ્યું કે તે હાલમાં આ મામલાની તપાસ કરી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો દુનિયાભરમાં વાયરલ થયો છે.
અહેવાલો અનુસાર આગ લાગતાની સાથે જ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એરલાઈન્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર તમામ 379 મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, પ્લેનમાંથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં મોટી દુર્ઘટના ટળી હતી.