માવઠાનો મહાવિનાશ: ખેડૂતોની એક જ માંગ - "સાહેબ, આ વખતે કૃષિ સહાય નહીં, બેન્કનું દેવું માફ કરો!"
Gujarat farmer protest: ગુજરાતમાં કમોસમી વરસાદ એ આશરે 10 લાખ હેક્ટર ખેતી તબાહ કરી. આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતો હવે કૃષિ સહાયને બદલે બેન્ક ધિરાણ માફીની ઉગ્ર માંગ કરી રહ્યા છે. સરકારી સર્વેની જાહેરાતોમાં વિસંગતતાથી ખેડૂતોમાં ભારે રોષ.
Gujarat unseasonal rain: ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું છે. કમોસમી વરસાદ એટલે કે માવઠાએ રાજ્યભરમાં એવો વિનાશ વેર્યો છે કે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. એક અંદાજ મુજબ, 10 લાખ હેક્ટર જમીનમાં ઉભો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે અન્નદાતા આર્થિક રીતે તબાહ થઈ ગયો છે. સરકારે પાક નુકસાનીનો સર્વે કરી સહાય આપવાની ખાતરી તો આપી છે, પરંતુ ખેડૂતોનો અવાજ હવે સહાયથી આગળ વધીને સંપૂર્ણ દેવા માફી સુધી પહોંચ્યો છે.
સરકારી વચનોમાં વિસંગતતા: તંત્ર ગોથે ચડ્યું?
ખેડૂતોની મુશ્કેલી ઓછી હોય તેમ, સરકારી તંત્રની કાર્યવાહીમાં જ ગૂંચવણ ઉભી થઈ છે. પાક નુકસાનીના સર્વેને લઈને સરકારના જ જુદા જુદા વિભાગો અને નેતાઓ તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે, જેનાથી સરકારની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે.
બીજી તરફ, કૃષિમંત્રી વાઘાણીએ જાહેરાત કરી કે આ સર્વે માત્ર 7 દિવસમાં આટોપી લેવાશે.
આ બધાની વચ્ચે, મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે સર્વે 3 દિવસમાં જ પૂરો કરીને રાહત પેકેજ જાહેર કરી દેવાશે.
આ ત્રણેય અલગ-અલગ સમયમર્યાદાએ ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે કે આખરે સાચું કોને માનવું? એક નક્કર નિર્ણયના અભાવે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે રોષ અને અવિશ્વાસ પેદા થયો છે.
"સહાય નહીં, દેવું માફ કરો": ખેડૂતોની સ્પષ્ટ માંગ
આ વખતનું નુકસાન એટલું મોટું છે કે ખેડૂતો સ્પષ્ટપણે માની રહ્યા છે કે સરકારી સહાયથી આ ખાડો પુરાય તેમ નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમણે મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર અને મોંઘી ખેત મજૂરી પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. મોટાભાગના ખેડૂતોએ બેન્કોમાંથી ધિરાણ એટલે કે લોન લઈને વાવેતર કર્યું હતું. હવે જ્યારે હાથમાં પાક જ નથી આવ્યો, તો બેન્કના હપ્તા કેવી રીતે ભરવા?
આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોમાંથી એક સૂર ઉઠ્યો છે કે સરકારે માત્ર પાક સહાયના ટુકડા ફેંકવાને બદલે ખેડૂતોનું સંપૂર્ણ બેન્ક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ. ખેડૂતો તર્ક આપી રહ્યા છે કે, "જો સરકાર મોટા ઉદ્યોગપતિઓના હજારો કરોડોના દેવા માફ કરી શકતી હોય, તો ગુજરાતના ખેડૂતોનું દેવું કેમ માફ ન થઈ શકે?"
ભાજપના ધારાસભ્યોએ જ સરકારને ભીંસમાં લીધી
આ સમગ્ર મામલો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે. ખેડૂતોના રોષને પારખીને ભાજપના જ મોટાભાગના ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને પાક નુકસાનીનું યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે.
મહત્ત્વની વાત એ છે કે, આમાંથી કેટલાંક ધારાસભ્યોએ માત્ર સહાય જ નહીં, પરંતુ ખેડૂતોની માંગ મુજબ બેન્ક ધિરાણ માફ કરવાની પણ ભારપૂર્વક ભલામણ કરી છે. પોતાની જ પાર્ટીના ધારાસભ્યોની આ માંગણીએ ભાજપ સરકારને ધર્મસંકટમાં મૂકી દીધી છે. એક તરફ, હજુ પાક સહાયના જ ઠેકાણાં નથી, ત્યાં દેવા માફીની વાત સરકારી તિજોરી પર મોટો બોજ પાડી શકે છે, જે કદાચ સરકારને પોષાય તેમ નથી. આમ, ભાજપના ધારાસભ્યો જ પોતાની સરકાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
ચૂંટણી પર અસરની આશંકા
હજુ સુધી ખેડૂતોને સહાય ક્યારે મળશે તે પણ નક્કી નથી. જો સરકાર કૃષિ સહાય અને ખાસ કરીને બેન્ક ધિરાણ માફ કરવાની માંગ પર તાત્કાલિક કોઈ નક્કર પગલાં નહીં લે, તો ખેડૂતોની આ નારાજગી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે ભારે પડી શકે છે.