Gujarat Rain 2025: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે, અને મેઘરાજાએ રાજ્યના 132 તાલુકામાં પોતાની હાજરી નોંધાવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ ખાબક્યો, જ્યારે ભાવનગરના તળાજા તાલુકામાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો.
પાંચ તાલુકામાં 2થી 4 ઈંચ વરસાદ
SEOCના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના પાંચ તાલુકામાં 2થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો. નીચેના કોષ્ટકમાં આ તાલુકાઓની વિગતો આપવામાં આવી છે.
14 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ
આ ઉપરાંત 14 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના દાંતીવાડા 1.77 ઈંચ, ભરૂચના અંકલેશ્વર 1.73 ઈંચ અને બોટાદના ગઢડા 1.65 ઈંચ જેવા તાલુકાનો સમાવેશ થાય છે. બાકીના 32 તાલુકામાં નામમાત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો, જ્યાં મેઘરાજાએ માત્ર હાજરી પુરાવી.
આજે 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 22 જુલાઈ 2025 મંગળવારે રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને બોટાદનો સમાવેશ થાય છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. SEOCના આંકડા મુજબ, કચ્છ ઝોનમાં 63.95%, દક્ષિણ ગુજરાતમાં 56.92%, અને સૌરાષ્ટ્રમાં 53.48% વરસાદ નોંધાયો. રાજ્યના 207 જળાશયોમાં 59.03% પાણીનો જથ્થો છે, જેમાં સૌરાષ્ટ્રના 16 અને દક્ષિણ ગુજરાતના 5 ડેમ છલોછલ ભરાયા છે.