ચમત્કારિક બ્લડ ટેસ્ટ: 10 વર્ષ અગાઉ જ કહી દેશે તમને કયો રોગ થશે!
Blood Test Disease Prediction: એક નવા અભ્યાસ મુજબ, સાદા બ્લડ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગ જેવા ગંભીર રોગો 10 વર્ષ પહેલાં જાણી શકાશે. UK Biobankના 500,000 સેમ્પલ પર આધારિત આ શોધ રોગપ્રતિબંધમાં ક્રાંતિ લાવશે.
એક સામાન્ય બ્લડ ટેસ્ટની મદદથી તમે કોઈ ગંભીર બીમારીના લક્ષણો દેખાય તે પહેલાં જ, કદાચ 10 વર્ષ અગાઉથી જ, તે રોગ વિશે જાણી શકશો.
માનવ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ આવી રહી છે. એક નવા અભ્યાસ મુજબ, એક સામાન્ય બ્લડ ટેસ્ટની મદદથી તમે કોઈ ગંભીર બીમારીના લક્ષણો દેખાય તે પહેલાં જ, કદાચ 10 વર્ષ અગાઉથી જ, તે રોગ વિશે જાણી શકશો. આ મેડિકલ સાયન્સ માટે એક ખૂબ જ મોટી સફળતા કહી શકાય, જે સારવારને બદલે રોગને થતો અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
UK બાયોબેન્કનો વિશાળ અભ્યાસ
આ અનોખો અભ્યાસ યુકેની પ્રખ્યાત બાયોબેન્ક દ્વારા કરવામાં આવ્યો છે, જે બાયોમેડિકલ ડેટા માટે જાણીતી છે. આ અભ્યાસમાં 500,000થી વધુ સ્વયંસેવકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. સંશોધકોએ આ સેમ્પલમાં રહેલાં આશરે 250 અલગ-અલગ પ્રોટીન, સુગર, ફેટ્સ અને અન્ય રસાયણો (કમ્પાઉન્ડ્સ)નું વિશ્લેષણ કર્યું. આ વિગતવાર તપાસથી દરેક વ્યક્તિના શરીરની કાર્યપ્રણાલી વિશે ઊંડાણપૂર્વકની માહિતી મળી છે. આ ટેસ્ટ ડાયાબિટીસ, હૃદય સંબંધિત બીમારીઓ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ વિશે અગાઉથી જાણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
બીમારીની અગાઉથી જાણકારી કેવી રીતે મળશે?
લોહીના નમૂનાઓમાંથી મળતી જટિલ મોલેક્યુલર પ્રોફાઇલ દરેક વ્યક્તિના શારીરિક બંધારણ વિશે જણાવે છે. જ્યારે આ પ્રોફાઇલને મેડિકલ રેકોર્ડ અને મૃત્યુના નોંધણી ડેટા સાથે સરખાવવામાં આવે છે, ત્યારે કયા રોગો થવાની સંભાવના છે તે જાણી શકાય છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર ડોક્ટર જોય એડવર્ડ-હિક્સ કહે છે કે, "આ ટેસ્ટ બીમારીનો ઇલાજ કરવાને બદલે તેને કેવી રીતે થતી અટકાવવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે."
રોગનું મૂળ કારણ: મેટાબોલાઇટ્સમાં ફેરફાર
યુકેની બાયોબેન્ક અને નાઈટિંગેલ હેલ્થના સંયુક્ત પ્રયાસથી હજારો લોકોના બ્લડ સેમ્પલમાં મેટાબોલાઇટ્સનો અભ્યાસ કરાયો. આ મેટાબોલાઇટ્સમાં સુગર, એમિનો એસિડ, ફેટ્સ અને યુરિયા જેવા તત્વોનો સમાવેશ થાય છે. આ મેટાબોલિક ઘટકોમાં થતા નાના ફેરફારો બીમારીના સંકેત આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો લિવર સ્વસ્થ ન હોય, તો વ્યક્તિમાં એમોનિયાનું પ્રમાણ વધી શકે છે. તેવી જ રીતે, કિડનીની તકલીફ હોય, તો યુરિયા અને ક્રિએટિનિનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે.
સ્વાસ્થ્યનું દર્પણ બનશે મેટાબોલિક પ્રોફાઇલ
સંશોધન ટીમને વિશ્વાસ છે કે મેટાબોલિક પ્રોફાઇલ ટેસ્ટમાંથી મળતો ડેટા અન્ય તમામ ટેસ્ટ કરતાં વધુ મહત્વનો છે. મેટાબોલિકમાં થતા ફેરફારો જિનેટિક્સ, પર્યાવરણ, અને જીવનશૈલી (જેમ કે આહાર અને કસરત)ના કારણે થાય છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ડોક્ટર જુલિયન મુટ્ઝના મતે, "મેટાબોલિક પ્રોફાઇલ કોઈ પણ વ્યક્તિની ફિઝિયોલોજી વિશેની વિગતવાર માહિતી આપે છે. જિનેટિક્સ હોય કે અન્ય પરિબળો, તેમાં થયેલા કોઈપણ બદલાવ વિશે આ ટેસ્ટથી જાણી શકાય છે, અને તેનાથી બીમારીઓને વહેલી શોધી શકાય છે."
500,000 વ્યક્તિઓના ડેટાનો લાભ
યુકે બાયોબેન્કના 500,000 મેટાબોલિક પ્રોફાઇલ રિસર્ચ કરનારાઓને અજોડ લાભ પૂરો પાડે છે. આ વિશાળ ડેટાના આધારે, એક એવો ટેસ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે જે બીમારી થતાં પહેલાં જ તેની જાણકારી આપી દેશે. ડોક્ટર જુલિયન મુટ્ઝના જણાવ્યા મુજબ, આ પ્રોફાઇલની મદદથી ડિમેન્શિયા વિશે પણ જાણી શકાય છે, અને તેમને આશા છે કે ભવિષ્યમાં ન્યુરોડિજનરેટિવ બીમારીઓ વિશે પણ તેમાંથી માહિતી મળશે.
સ્ત્રી અને પુરુષમાં અલગ પરિણામો
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના પ્રોફેસર ડોક્ટર નજફ અમિન કહે છે કે 500,000 મેટાબોલિક પ્રોફાઇલના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓમાં ઉંમરને કારણે કેન્સર થવાની શક્યતાઓ અલગ-અલગ હોય છે. આ ડેટા બંનેમાં સ્પષ્ટ તફાવત દર્શાવે છે. રિસર્ચ ટીમ હવે આ તફાવતો પર વધુ અભ્યાસ કરશે અને સ્ત્રી-પુરુષ બંને માટે કેવી રીતે દવાઓ વધુ અસરકારક બની શકે તે વિશે પણ શોધ કરશે.