ચીન ભૂસ્તરીય સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, નેપાળના દૈલેખ જિલ્લાના જલજલે વિસ્તારમાં લગભગ 430 અબજ ઘન મીટર મિથેન ગેસનો ભંડાર હોવાનો અંદાજ છે.
Nepal methane gas: નેપાળ માટે એક ઐતિહાસિક શોધના સમાચાર સામે આવ્યા છે. દેશના પશ્ચિમી ભાગમાં મિથેન ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે, જે આગામી 50 વર્ષ સુધી નેપાળની ગેસની જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ શોધથી નેપાળની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસને નવી દિશા મળવાની આશા જાગી છે.
મિથેન ગેસનો ભંડાર કેટલો મોટો?
ચીન ભૂસ્તરીય સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, નેપાળના દૈલેખ જિલ્લાના જલજલે વિસ્તારમાં લગભગ 430 અબજ ઘન મીટર મિથેન ગેસનો ભંડાર હોવાનો અંદાજ છે. આ ભંડાર નેપાળની ગેસની માંગને આગામી પાંચ દાયકા સુધી પૂરી કરી શકે છે. આ શોધ 2019માં નેપાળ અને ચીન વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારના પરિણામે શક્ય બની છે.
ક્યારે શરૂ થયું હતું ખોદકામ?
નેપાળના પશ્ચિમી ભાગમાં ગેસની શોધ માટે પ્રથમ ખોદકામ 11 મે, 2021ના રોજ શરૂ થયું હતું. આ ખોદકામ 4,000 મીટરથી વધુ ઊંડાઈ સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન એક કૂવામાંથી લગભગ 1.12 અબજ ઘન મીટર મિથેન ગેસના ભંડારની પુષ્ટિ થઈ હતી. આ શોધથી નેપાળમાં સ્થાનિક ઊર્જા સ્ત્રોતોના ઉપયોગની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
હજુ ચાર કૂવામાંથી એકનું જ પરિણામ
સ્થાનિક સમાચાર એજન્સી ગોરખપત્ર અનુસાર, ખોદકામ અભિયાનમાં કુલ ચાર કૂવાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હાલમાં જાહેર કરાયેલા અહેવાલમાં ફક્ત એક જ કૂવાના પ્રારંભીક પરિણામોનો ઉલ્લેખ છે. આ પ્રારંભિક અંદાજો સૂચવે છે કે આ વિસ્તારમાં ગેસનો કુલ ભંડાર 430 અબજ ઘન મીટર સુધી હોઈ શકે છે. બાકીના કૂવાઓના પરીક્ષણોના પરિણામો આગામી સમયમાં સામે આવશે.
નેપાળના અધિકારીઓનું નિવેદન
નેપાળના ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર અને પેટ્રોલિયમ અન્વેષણ પ્રોજેક્ટના વડા દિનેશ કુમાર નાપિતે આ શોધને ઐતિહાસિક ગણાવી છે. તેમણે જણાવ્યું કે, “આ નેપાળનું અત્યાર સુધીનું સૌથી ઊંડું અને આધુનિક અન્વેષણ છે. હાલમાં મળેલા ગેસ ભંડારની ગુણવત્તા, આર્થિક ક્ષમતા અને વ્યાપારી ઉપયોગનું મૂલ્યાંકન કરવા પરીક્ષણ ચાલુ છે.”
આ મિથેન ગેસનો ભંડાર નેપાળની ઊર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મિથેન ગેસને પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સ્વચ્છ ઈંધણ માનવામાં આવે છે, જે પર્યાવરણીય લાભ પણ આપી શકે છે. આ ઉપરાંત, આ શોધથી સ્થાનિક રોજગારીની તકો વધશે અને નેપાળની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન મળશે. જો કે, આ ગેસ ભંડારની ગુણવત્તા અને આર્થિક ઉપયોગિતાનું મૂલ્યાંકન હજુ બાકી છે. નેપાળ સરકારે આ ભંડારના નિષ્કર્ષણ અને વ્યાપારી ઉપયોગ માટે યોગ્ય નીતિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર પડશે.