દેશમાં હવે માત્ર 4 સરકારી બેંકો રહેશે? 12 બેંકોના મર્જરનું મોટું પ્લાનિંગ, જાણો તમારા ખાતા અને નોકરી પર શું થશે અસર
Bank Merger India: કેન્દ્ર સરકાર 12 સરકારી બેંકોને મર્જ કરીને 4 મોટી 'વર્લ્ડ ક્લાસ' બેંકો બનાવવાની યોજના બનાવી રહી છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ શું છે અને તેની સામાન્ય માણસના બેંક ખાતા અને કર્મચારીઓની નોકરી પર શું અસર થશે.
કેન્દ્ર સરકાર 12 સરકારી બેંકોને મર્જ કરીને 4 મોટી 'વર્લ્ડ ક્લાસ' બેંકો બનાવવાની યોજના બનાવી રહી છે.
PSU Bank Merger: કેન્દ્ર સરકાર ભારતીય બેન્કિંગ સેક્ટરમાં એક મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. દેશની 12 સરકારી બેંકોને એકબીજામાં ભેળવીને માત્ર 4 મોટી અને મજબૂત બેંકો બનાવવાની યોજના પર ફરીથી કામ શરૂ થઈ ગયું છે. આ પગલાનો મુખ્ય હેતુ ભારતની વધતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે વૈશ્વિક સ્તરની બેન્કિંગ સિસ્ટમ તૈયાર કરવાનો છે.
શા માટે આ મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે?
ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ મોટા આર્થિક લક્ષ્યને પહોંચી વળવા માટે દેશને મોટી અને સક્ષમ બેંકોની જરૂર છે. સરકારનું માનવું છે કે નાની-નાની બેંકોને ભેળવીને મોટી 'વર્લ્ડ ક્લાસ' બેંકો બનાવવાથી તેમની કાર્યક્ષમતા વધશે અને તેઓ મોટા પ્રોજેક્ટ્સને સરળતાથી લોન આપી શકશે. આ વિષય પર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ છે.
કર્મચારીઓ અને ગ્રાહકો માટે મોટા સમાચાર: નોકરી કે બ્રાન્ચનું શું થશે?
આ મોટા મર્જરના સમાચાર સાંભળીને બેંક કર્મચારીઓ અને ગ્રાહકોના મનમાં ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ ખાતરી આપી છે કે નોકરીઓ પર કોઈ ખતરો નથી: બેંકોના વિલીનીકરણથી કોઈ પણ કર્મચારીની નોકરી જશે નહીં. શાખાઓ બંધ નહીં થાય હાલની બેંક શાખાઓ પણ બંધ કરવામાં આવશે નહીં. સરકારનો હેતુ માત્ર બેંકોની સંખ્યા ઘટાડવાનો નથી, પરંતુ ગ્રાહકોને વધુ સારી અને સ્થિર બેન્કિંગ સેવાઓ પૂરી પાડવાનો છે.