Online Lookout Notice Portal: ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ દેશ છોડી ભાગતા ગુનેગારોને રોકવા માટે એક અદ્યતન ઓનલાઈન લૂકઆઉટ નોટિસ (LOC) પોર્ટલ શરૂ કર્યું છે. આ નવી પહેલથી અગાઉની મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત જટિલ પ્રક્રિયાનો અંત આવશે, જેનાથી લૂકઆઉટ નોટિસ જારી કરવાની કામગીરી વધુ ઝડપી, પારદર્શી અને સુરક્ષિત બનશે.
CBICએ 13 ઓક્ટોબર 2025ના રોજ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આ પોર્ટલ, જે 31 માર્ચ 2024થી કાર્યરત છે, દેશભરમાં યોગ્ય સમયે નોટિસ પહોંચાડવા અને તેની સાથે જોડાયેલી કાર્યવાહીને અસરકારક રીતે પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ માનવીય હસ્તક્ષેપ ઘટાડીને પ્રક્રિયાને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
આ ઓનલાઈન સિસ્ટમના સુચારુ સંચાલન માટે CBICએ ત્રણ મુખ્ય સંસ્થાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરી છે. આ સંસ્થાઓમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI), કસ્ટમ્સ અને CGSTનો સમાવેશ થાય છે. આ નોડલ અધિકારીઓ અધિકારીઓના ડેઝિગ્નેશનના આધારે લોગઇન ક્રિડેન્શિયલ્સ દ્વારા પોર્ટલનું સંચાલન કરશે.
આ ઉપરાંત, અધિકારીઓએ તેમના વિભાગીય વડા સાથે સંકલન જાળવવું પડશે. ઉદાહરણ તરીકે, DRIના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી-ડીઆરઆઈ, DGGIના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી.-ડીજીજીઆઈ, CGSTના અધિકારીઓએ પ્રિન્સિપાલ ચીફ કમિશનર CGST અને કસ્ટમ્સ અધિકારીઓએ ચીફ કમિશનર, દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવું પડશે.
આ ઓનલાઈન પોર્ટલની શરૂઆતથી લૂકઆઉટ નોટિસ જારી કરવાની પ્રક્રિયામાં માનવીય ભૂલો ઘટશે અને કાર્યક્ષમતા વધશે. આ પહેલ દેશની સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.