દિવાળીમાં ફટાકડા ફોડવા માત્ર બે કલાકની છૂટ: ગુજરાત સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો કયા ફટાકડા પર છે સંપૂર્ણ પ્રતિબંધ
ગુજરાત સરકારે દિવાળી માટે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. હવે દિવાળીની રાત્રે માત્ર 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગ્રીન ફટાકડાને જ માન્યતા, ભારે ઘોંઘાટવાળા અને બેરિયમવાળા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ. જાણો ક્રિસમસ અને નૂતન વર્ષની સમય મર્યાદા.
રાજ્ય સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે.
Diwali firecrackers: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે આ વખતે તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા માટે સમયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
દિવાળીમાં રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે
નવી સૂચનાઓ મુજબ, દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકનો જ સમય આપવામાં આવ્યો છે. લોકો રાતે 8:00 થી 10:00 કલાક સુધી જ ફટાકડા ફોડી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણને થતી વિપરીત અસર અને આગ લાગવાના બનાવોને ટાળવા માટે રાતના 10:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર છે પ્રતિબંધ
સરકારે પર્યાવરણની જાળવણી માટે કડક પગલાં લીધા છે. હવે બજારમાં માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા અને ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. નીચે મુજબના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે:
બેરિયમનો ઉપયોગ: ફટાકડા બનાવવા માટે બેરિયમ કે તેના કોઈ પણ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારે ઘોંઘાટવાળા ફટાકડા: વધુ ઘોંઘાટ પેદા કરતાં ફટાકડા ફોડવા પર મનાઈ છે.
જોડેલા ફટાકડા: સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા (લૂમ/લરી) પર પણ પ્રતિબંધ છે.
ઓનલાઇન વેચાણ પણ સંપૂર્ણ બંધ
સરકારે તમામ ઈ-કોમર્સ વેબસાઇટ્સને પણ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ પ્રકારના ફટાકડાનું ઓનલાઇન વેચાણ કરી શકશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધરાવતા વેપારીઓ દ્વારા જ થવું જોઈએ અને તેઓએ પણ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવું ફરજિયાત છે.
ક્રિસમસ અને નૂતન વર્ષ માટે પણ સમય નક્કી
દિવાળી ઉપરાંત અન્ય તહેવારો માટે પણ સરકારે ફટાકડા ફોડવાનો સમય નક્કી કર્યો છે:
ક્રિસમસ અને નૂતન વર્ષ: આ તહેવારો દરમિયાન ફટાકડા રાત્રે 23:55 (11:55 PM) કલાકથી લઈને રાત્રે 00:30 (12:30 AM) કલાક સુધી જ ફોડી શકાશે.
આ સૂચનાઓનું કડક પાલન થાય તે માટે રાજ્યનું તંત્ર સક્રિય બની ગયું છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે તહેવારોની ઉજવણી ઉત્સાહ સાથે થાય, પણ સાથે જ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની જાળવણી પણ થઈ શકે.