Pahalgam Attack: પહેલગામ હુમલામાં પાકિસ્તાન અને TRFનો હાથ, ભારતે UNમાં પુરાવા સાથે ખોલી પોલ
ભારતના આ પગલાં બાદ UNની 1267 સમિતિ TRF પર પ્રતિબંધ મૂકવાની દિશામાં વિચારણા કરી શકે છે. જો આવું થશે, તો TRFની નાણાકીય સહાય, હથિયારોની હેરફેર અને આતંકી ગતિવિધિઓ પર નોંધપાત્ર અંકુશ આવશે. ભારતની આ રણનીતિ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ સામે મજબૂત જવાબ તરીકે જોવામાં આવી રહી છે.
ગત 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પર્યટકોની નિર્મમ હત્યા કરી હતી.
Pahalgam Attack: ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટું પગલું ભર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આતંકી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)' અને પાકિસ્તાનની સંડોવણીના નક્કર પુરાવા રજૂ કરીને TRF પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પહેલગામ હુમલા પાછળ TRF અને તેના પાકિસ્તાની આકાઓનો હાથ છે.
પહેલગામ હુમલો: 26 પર્યટકોની હત્યા
ગત 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પર્યટકોની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. આ ઉપરાંત, ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય લીધો.
UNમાં ભારતની મોટું પગલું
ગુરુવારે ભારતે સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ નિવારણ કાર્યાલય (UNOCT) અને આતંકવાદ નિવારણ સમિતિના કાર્યકારી નિદેશાલય (CTED) સમક્ષ TRFની આતંકી પ્રવૃત્તિઓના પુરાવા રજૂ કર્યા. ભારતે UNની સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને પણ આ હુમલા અંગે વિગતવાર માહિતી આપી. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું કે TRF એ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક મુખવટો છે, જે સીમા પારના આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
ભારતનું મુખ્ય લક્ષ્ય TRFને વૈશ્વિક આતંકી સંગઠન તરીકે જાહેર કરાવીને તેના પર પ્રતિબંધ મૂકાવવાનું છે. આ માટે ભારતે UNની 1267 સમિતિ સાથે ત્રીજી વખત સંપર્ક સાધ્યો છે, જેમાં મે અને નવેમ્બર 2024 બાદ આ તાજેતરનો સંપર્ક છે.
TRFનું યૂ-ટર્ન: હુમલાની જવાબદારીથી પીછેહઠ
સૂત્રો અનુસાર, TRFએ શરૂઆતમાં પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ પાકિસ્તાની આકાઓના દબાણ હેઠળ તેણે પોતાનો દાવો પાછો ખેંચી લીધો. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ યૂ-ટર્ન પાકિસ્તાનના ઈશારે લેવાયું હતું, જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં TRFની આતંકી પ્રવૃત્તિઓ છુપાઈ રહે. જોકે, ભારતે પુરાવાઓ સાથે આ સંગઠનની પોલ ખોલી દીધી છે.
ભારતની ટીમે કોની સાથે મુલાકાત કરી?
ભારતીય ટીમે UNOCT અને CTEDના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. આ બેઠકોનો હેતુ TRFને વૈશ્વિક આતંકી સંગઠન તરીકે ઓળખાવીને તેની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો હતો. ભારતે આ માટે પુરાવા તરીકે TRFની આતંકી ગતિવિધિઓ, તેના લશ્કર-એ-તૈયબા સાથેના સંબંધો અને પાકિસ્તાનની સંડોવણીના દસ્તાવેજો રજૂ કર્યા.
ભારતનો મેસેજ: આતંકવાદ સામે કડક કાર્યવાહી
ભારતે UNમાં સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. પહેલગામ હુમલાએ દેશની સુરક્ષા અને પર્યટન ક્ષેત્ર પર ગંભીર આઘાત પહોંચાડ્યો છે. ભારતનું કહેવું છે કે TRF જેવા સંગઠનોને નાથવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે.