Piramal Finance: પીરામલ ગ્રૂપની નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) પીરામલ ફાઇનાન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના જમાઇ આનંદ પીરામલને કંપનીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય 24 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયો હતો. આનંદ પીરામલ તેમના પિતા અજય પીરામલનું સ્થાન લેશે, જેઓ અગાઉ આ પદ પર હતા.
બોર્ડમાં ફેરફારો અને નવી નિયુક્તિઓ
આ બેઠકમાં અજય પીરામલ અને સ્વાતિ પીરામલના રાજીનામાં પણ સ્વીકારવામાં આવ્યા. અજય પીરામલ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હતા, જ્યારે સ્વાતિ પીરામલ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. જોકે, અજય પીરામલ પીરામલ ગ્રૂપના ચેરમેન તરીકે કામ ચાલુ રાખશે. આ ઉપરાંત, જૈરમ શ્રીધરનને પીરામલ ફાઇનાન્સના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ મહર્ષિ, અશિત મહેતા અને અંજલિ બંસલને બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે 5 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક્સિસ બેન્કના ભૂતપૂર્વ MD અને CEO શિખા શર્માને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. આ તમામ નિયુક્તિઓને શેરહોલ્ડર્સની મંજૂરી મળવી બાકી છે.