શાહી પ્રોટોકોલ ભૂલી સચિન તેંડુલકર સાથે મુંબઈની શેરીઓમાં 'ગલી ક્રિકેટ' રમ્યા પ્રિન્સ વિલિયમ, કુલ્હડ ચા અને સ્ટ્રીટ ફૂડની પણ માણી મજા
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન 3 દિવસના ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા છે. તેમણે સચિન તેંડુલકર સાથે ગલી ક્રિકેટ રમી અને કુલ્હડ ચાનો સ્વાદ માણ્યો.
સચિન તેંડુલકર, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન મુંબઈના ઐતિહાસિક 'બેલાર્ડ એસ્ટેટ' વિસ્તારમાં સાથે લટાર મારતા જોવા મળ્યા હતા.
જ્યારે બ્રિટનના ભાવિ રાજા અને રાણી મુંબઈની ઐતિહાસિક ગલીઓમાં ઉતરે અને તેમની સાથે 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર હોય, ત્યારે તે દ્રશ્ય ખરેખર જોવાલાયક હોય છે. સોમવારે મુંબઈમાં કંઈક આવો જ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન પોતાના 3 દિવસના ભારત પ્રવાસની શરૂઆતમાં જ તમામ શાહી પ્રોટોકોલ બાજુ પર મૂકીને મુંબઈની અસલી સ્ટ્રીટ લાઈફનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
'2026 અર્થશોટ પ્રાઈઝ'ના ખાસ કાર્યક્રમ માટે ભારત આવેલા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સે પોતાના પ્રવાસના પહેલા જ દિવસે મુંબઈના રસ્તાઓ પર ગલી ક્રિકેટ, કુલ્હડ ચા અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી.
સચિન તેંડુલકર અને શાળાની વિદ્યાર્થિનીઓ સાથે રમ્યા 'ગલી ક્રિકેટ'
સોમવારે સવારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર તેમજ શાળાની વિદ્યાર્થિનીઓ અને બાળકો સાથે મળીને મુંબઈની શેરીઓમાં 'ગલી ક્રિકેટ' રમી હતી. હાથમાં બેટ અને બોલ પકડીને આ શાહી દંપતીએ યુવા ક્રિકેટરો સાથે ખૂબ જ હળવાશની પળો વિતાવી હતી અને રમતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.
#WATCH | Maharashtra: Britain's Prince William plays gully cricket with young Cricketers in Mumbai. Princess Kate and Cricket legend Sachin Tendulkar are also here.
The Prince and Princess of Wales are in Mumbai for a three-day visit centred around the 2026 Earthshot Prize. https://t.co/t1pbETB3ic — ANI (@ANI) November 16, 2026
બેલાર્ડ એસ્ટેટની મુલાકાત અને 'કુલ્હડ' ચાનો સ્વાદ
સામાન્ય રીતે વિદેશી મહેમાનોના હાઈ-પ્રોફાઈલ પ્રવાસથી અલગ, સચિન તેંડુલકર આ શાહી દંપતીને મુંબઈના જાણીતા પ્રવાસન સ્થળો ઉપરાંત શહેરની અસલી સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે લઈ ગયા હતા:
સચિન તેંડુલકર, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન મુંબઈના ઐતિહાસિક 'બેલાર્ડ એસ્ટેટ' વિસ્તારમાં સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. તેઓ ભારતના સૌથી જૂના ફોટોગ્રાફી સ્ટુડિયો પૈકીના એક એવા 'હેમિલ્ટન સ્ટુડિયોઝ'ની બહાર પણ સાથે જોવા મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન શાહી દંપતીએ મુંબઈના પ્રખ્યાત લોકલ સ્ટ્રીટ ફૂડ અને માટીના કુલ્હડમાં ગરમાગરમ ચાનો સ્વાદ પણ માણ્યો હતો.
10 વર્ષ બાદ ફરી તાજી થઈ 2016 ના પ્રવાસની યાદો
પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનો મુંબઈ તેમજ ક્રિકેટ સાથેનો નાતો 10 વર્ષ જૂનો છે. આ અગાઉ એપ્રિલ 2016 માં જ્યારે તેઓ પોતાના પ્રથમ સત્તાવાર ભારત પ્રવાસે આવ્યા હતા, ત્યારે પણ તેમણે મુંબઈમાં સ્થાનિક બાળકો સાથે સ્ટ્રીટ ક્રિકેટ રમીને સૌના દિલ જીતી લીધા હતા.
2024 ની બીમારી બાદ કેટ મિડલટનનો સૌથી મોટો વિદેશ પ્રવાસ
પ્રિન્સેસ કેટ મિડલટન માટે આ ભારત પ્રવાસ વ્યક્તિગત રીતે પણ ખૂબ જ ખાસ છે. વર્ષ 2024 માં પ્રિવેન્ટિવ કીમોથેરાપી કરાવ્યા બાદ આ તેમનો સૌથી મોટો અને હાઈ-પ્રોફાઈલ વિદેશ પ્રવાસ છે. પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ મુખ્યત્વે 'અર્થશોટ પ્રાઈઝ'ની 6ઠ્ઠી એડિશન માટે ભારત આવ્યા છે. પર્યાવરણને લગતી સૌથી મોટી સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા અને તેને પ્રોત્સાહન આપવા માટે પ્રિન્સ વિલિયમે વર્ષ 2020 માં આ વૈશ્વિક પહેલ શરૂ કરી હતી.
બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ તેમના આ 3 દિવસીય ભારત પ્રવાસનું સમાપન થશે.