Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ધબધબાટી વરસાદ બાદ હવે મેઘરાજાએ થોડી રાહત આપી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના આંકડા મુજબ, 29 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી 30 જુલાઈ 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.
વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 2.13 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, 8 તાલુકામાં 1 થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.
SEOCના રિપોર્ટ મુજબ, 87 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમાંથી 31 તાલુકામાં તો વરસાદે માત્ર હાજરી જ પુરાવી, એટલે કે 1-2 એમએમ જેટલો જ વરસાદ પડ્યો.
12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 30 જુલાઈ 2025, બુધવારે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ખેડૂતો અને નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
ગુજરાતમાં વરસાદનો વિસ્તાર હવે 100 તાલુકાથી ઘટીને 95 તાલુકા સુધી સીમિત થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે, જે ખેતી અને પાણીની સ્થિતિને અસર કરી શકે છે. ખેડૂતો અને સ્થાનિક વહીવટી તંત્રએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.