Gujarat Rain 2025: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સક્રિય થયા છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરના આંકડા પ્રમાણે, 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી 29 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં 4.92 ઈંચ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે.
8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
SEOCના રિપોર્ટ મુજબ, 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. નીચેના કોષ્ટકમાં આ તાલુકાઓની વિગતો આપવામાં આવી છે.
SEOCના આંકડા દર્શાવે છે કે 35 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, જ્યાં માત્ર 1-2 એમએમ વરસાદ ખાબક્યો. આ વિસ્તારોમાં વરસાદે માત્ર હાજરી પુરાવી, પરંતુ ભારે વરસાદની અસર નહોતી.
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 29 જુલાઈ 2025 માટે 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખેડૂતો અને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.