રશિયામાં પ્લેગ ફેલાવવાની દહેશત: એન્ટી-પ્લેગ રિસર્ચ લેબમાં કર્મચારીના રહસ્યમય મોતથી હડકંપ, 200 લોકો ક્વોરેન્ટાઈન | Moneycontrol Gujarati
Get App

રશિયામાં પ્લેગ ફેલાવવાની દહેશત: એન્ટી-પ્લેગ રિસર્ચ લેબમાં કર્મચારીના રહસ્યમય મોતથી હડકંપ, 200 લોકો ક્વોરેન્ટાઈન

Russia Plague Outbreak: રશિયાના સાઇબિરીયામાં એન્ટી-પ્લેગ લેબમાં એક મહિલા કર્મચારીના શંકાસ્પદ મોત બાદ પ્લેગ ફેલાવવાની દહેશત છે. તકેદારીના ભાગરૂપે 200 લોકો ક્વોરેન્ટાઈન કરાયા છે.

અપડેટેડ 01:38:39 PM Oct 05, 2026 પર
Story continues below Advertisement
આ ઘટના ઇરકુત્સ્ક નજીક આવેલા શેલેખોવ શહેરના એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બની છે. ચેતી ગયેલા પ્રશાસને પ્લેગ ફેલાવવાની આશંકાને ધ્યાનમાં રાખીને લેબમાં કામ કરતા અંદાજે 200 જેટલા કર્મચારીઓને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરી દીધા છે.

Russia Plague Outbreak: રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં આવેલા એક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક લેબ કર્મચારીના અચાનક મોત બાદ હડકંપ મચી ગયો છે. 28 વર્ષીય મહિલા કર્મચારીનું મોત અજ્ઞાત કારણોસર થયેલા ન્યુમોનિયાથી થયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પ્લેગ ફેલાવવાની મોટી દહેશત ઊભી થઈ છે.

સરકારી ન્યૂઝ એજન્સી TASSના રિપોર્ટ મુજબ, આ ઘટના ઇરકુત્સ્ક નજીક આવેલા શેલેખોવ શહેરના એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બની છે. ચેતી ગયેલા પ્રશાસને પ્લેગ ફેલાવવાની આશંકાને ધ્યાનમાં રાખીને લેબમાં કામ કરતા અંદાજે 200 જેટલા કર્મચારીઓને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરી દીધા છે.

લેબ વર્કરના મોતથી લોકોમાં ભયનો માહોલ

શેલેખોવ ખાતે આવેલું આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાની સૌથી ખતરનાક અને ચેપી બીમારીઓ પર રિસર્ચ કરવાનું કામ કરે છે. રિપોર્ટ મુજબ, આ લેબમાં કામ કરતી 28 વર્ષીય મહિલાને શરૂઆતમાં ન્યુમોનિયા થયો હતો. ધીમે ધીમે તેની અસર વધતી ગઈ અને અંતે તેનું મોત નીપજ્યું હતું. રશિયાની ફેડરલ હેલ્થ મોનિટરિંગ એજન્સી રોસ્પોટ્રેબનાદઝોર એ સ્પષ્ટતા કરી છે કે મૃતકને જે ન્યુમોનિયા થયો હતો તેનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. જોકે, હાલમાં ઇરકુત્સ્ક અને શેલેખોવ શહેરમાં આરોગ્યની સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.

ગવર્નરે લોકોને શાંતિ જાળવવા કરી અપીલ


આ ઘટના બાદ સ્થાનિક એન્ટી-એપિડેમિક કાઉન્સિલની એક ઈમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી હતી. ઇરકુત્સ્કના ગવર્નર ઇગોર કોબઝેવે લોકોને અપીલ કરી છે કે તેઓ જરાય પેનિક ન થાય. તેમણે જણાવ્યું કે એક શંકાસ્પદ અને ખતરનાક સંક્રમણનો કેસ સામે આવતા તાત્કાલિક આ બેઠક બોલાવાઈ હતી. સરકાર ભલે ગભરાવાની ના પાડી રહી હોય, પરંતુ ન્યુમોનિક પ્લેગના શંકાસ્પદ કેસના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે.

ફેસ કવર પહેરવાની અપાઈ સૂચના

શેલેખોવની આસપાસના વિસ્તારોમાં સાવચેતીના કડક પગલાં લેવાઈ રહ્યા છે. રિસર્ચ સેન્ટર પાસે આવેલા એક મોટા ઇન્ડસ્ટ્રીયલ એકમ, 'ઇરકુત્સ્ક એલ્યુમિનિયમ પ્લાન્ટ'ના વડા આર્ટેમ ફોમિનીખે તેમના કર્મચારીઓને ફરજિયાત ફેસ કવર (માસ્ક) પહેરવાનો આદેશ આપ્યો છે. બજારમાં લોકડાઉન લાગી જવાની અફવાઓ પણ ઉડી રહી છે, ત્યારે તેમણે લોકોને ખોટી અફવાઓથી દૂર રહીને શાંતિ જાળવવા કહ્યું છે. બીજી તરફ રશિયન અધિકારીઓ પણ ખાતરી આપી રહ્યા છે કે પબ્લિક હેલ્થને કોઈ ખતરો નથી.

સંપર્કમાં આવેલા લોકોના મેડિકલ રિપોર્ટ નેગેટિવ

હેલ્થ એજન્સીના પ્રમુખ ગેન્નાડી ઓનિશ્ચેન્કોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સાઇબિરીયન પેથોજન કદાચ પ્લેગ નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો તે પ્લેગ સાબિત થશે તો પણ તે આગળ ફેલાશે નહીં. મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે, હાલમાં કોઈનામાં બીમારીના લક્ષણો દેખાયા નથી અને તમામના લેબ ટેસ્ટના પરિણામ નેગેટિવ આવ્યા છે.

પ્લેગ શું છે?

પ્લેગ એ 'Yersinia pestis' નામના બેક્ટેરિયાથી થતી એક અત્યંત ગંભીર બીમારી છે. તેનો એક ખતરનાક પ્રકાર 'ન્યુમોનિક પ્લેગ' છે, જે સીધી રીતે શ્વસનતંત્ર (શ્વાસ નળી અને ફેફસાં) પર અસર કરે છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના ખાંસવા કે શ્વાસ લેતી વખતે હવામાં ઉડતા ડ્રોપલેટ્સ દ્વારા બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે.

ન્યુમોનિક પ્લેગના મુખ્ય લક્ષણો:

* સખત અને અચાનક તાવ આવવો

* માથું ભારે થવું અને દુખાવો રહેવો

* શરીરમાં અત્યંત નબળાઈ લાગવી

* શ્વાસ લેવામાં તકલીફ પડવી

* છાતીમાં દુખાવો થવો અને સતત ખાંસી આવવી

કહી શકાય કે, રશિયન પ્રશાસન આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે અને સંક્રમણને આગળ વધતું અટકાવવા તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે.

આ પણ વાંચો- સોના-ચાંદીના ભાવ પર પડશે સીધી અસર! સરકાર આયાત પર 3 ટકા GST છૂટ ખતમ કરવાની તૈયારીમાં

MoneyControl News

MoneyControl News

First Published: Oct 05, 2026 1:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.