SBI EMI Bounce Case: જો બેંકે ક્યારેય તમારી પાસેથી ખોટો ચાર્જ વસૂલ્યો હોય, તો દિલ્હીની એક મહિલાનો આ કિસ્સો તમને ચોક્કસ હિંમત આપશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સામે 15 વર્ષ લાંબી લડાઈ લડ્યા બાદ આ મહિલાને આખરે ન્યાય મળ્યો છે. મામલો માત્ર 4400ના ખોટા EMI બાઉન્સ ચાર્જનો હતો, પરંતુ હવે બેંકને એ જ ગ્રાહકને 1.7 લાખ ચૂકવવાનો આદેશ મળ્યો છે.
આ આખો મામલો ધીરજ, હિંમત અને ગ્રાહક અધિકારોની લડતનું એક મોટું ઉદાહરણ છે.
આખો મામલો શું હતો?
વાત 2008ની છે. દિલ્હીની એક મહિલાએ HDFC બેંકમાંથી 2.6 લાખની કાર લોન લીધી હતી. આ લોનની માસિક EMI 7054 હતી. આ EMI ચૂકવવા માટે, તેમણે SBIની કરવાલ નગર બ્રાન્ચમાં પોતાના બચત ખાતામાંથી ECS (ઓટો-ડેબિટ) સુવિધા ચાલુ કરાવી હતી. પરંતુ, ટૂંક સમયમાં જ સમસ્યા શરૂ થઈ. EMI ચૂકવણી 11 વખત 'બાઉન્સ' થઈ હોવાનું દેખાડવામાં આવ્યું. આ માટે SBI એ દરેક બાઉન્સ પર 400 લેખે કુલ 4400નો દંડ વસૂલ્યો. મહિલા ગ્રાહકનો દાવો સ્પષ્ટ હતો, જે તારીખે EMI બાઉન્સ બતાવવામાં આવી, તે દરેક સમયે તેમના ખાતામાં પૂરતું બેલેન્સ હતું. તેમણે બેંક સ્ટેટમેન્ટ રજૂ કરીને આ વાત સાબિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેંક અધિકારીઓએ તેમની વાત સાંભળી નહીં.
15 વર્ષ લાંબી કાનૂની લડાઈ
જ્યારે બેંક તરફથી કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે મહિલાએ 2010માં જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી. દુર્ભાગ્યે, ત્યાં તેમનો કેસ રદ કરવામાં આવ્યો. પરંતુ તેમણે હાર ન માની. આ કેસને તેઓ રાષ્ટ્રીય ગ્રાહક આયોગ સુધી લઈ ગયા. NCDRCએ કેસની ગંભીરતા સમજીને તેને ફરીથી સુનાવણી માટે દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગને મોકલ્યો. આખરે, 15 વર્ષની લાંબી અને થકવી દેનારી લડાઈ બાદ, 9 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય આયોગે મહિલા ગ્રાહકના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો.
બેંકની દલીલ કેમ ના ચાલી?
SBI એ બચાવમાં તર્ક આપ્યો કે ગ્રાહક દ્વારા ભરાયેલા ECS મેન્ડેટ ફોર્મમાં જ ભૂલ હતી, જેના કારણે EMI કપાઈ ન હતી. પરંતુ, ગ્રાહક આયોગે બેંકની આ દલીલને તદ્દન ફગાવી દીધી. આયોગે ખૂબ જ તાર્કિક સવાલ ઉઠાવ્યો, "જો ECS ફોર્મ ખરેખર ખામીયુક્ત હતું, તો પછી એ જ ફોર્મનો ઉપયોગ કરીને બાકીના મહિનાઓની EMI સફળતાપૂર્વક કેવી રીતે કપાઈ ગઈ?" બેંકનો આ તર્ક ગળે ઉતરે તેવો ન હતો. વધુમાં, SBI એવા કોઈ પુરાવા રજૂ કરી શકી નહીં કે જેનાથી સાબિત થાય કે ગ્રાહકની EMI બાઉન્સ થઈ તે દિવસે તેના ખાતામાં બેલેન્સ ઓછું હતું. જ્યારે બીજી તરફ, મહિલાએ પોતાના બેંક સ્ટેટમેન્ટથી પુરવાર કરી દીધું કે તેના ખાતામાં હંમેશા પૂરતા પૈસા હતા.
આયોગનો આદેશ અને SBIને દંડ
દિલ્હી રાજ્ય ગ્રાહક આયોગે SBIને "સેવામાં ખામી" માટે દોષિત ઠેરવી. આયોગે સ્વીકાર્યું કે ગ્રાહક 2008થી આ કેસની પીડા સહન કરી રહ્યા છે. બેંકની ભૂલથી તેમને માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ 15 વર્ષ સુધી માનસિક ત્રાસ પણ સહન કરવો પડ્યો.
આયોગે SBIને નીચે મુજબ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો:
* 1,50,000: માનસિક ત્રાસ અને ઉત્પીડન બદલ વળતર.
* 20,000: કાનૂની કાર્યવાહી અને કેસ લડવાના ખર્ચ પેટે.
આમ, કુલ 1,70,000ની રકમ બેંકે 3 મહિનાની અંદર ગ્રાહકને ચૂકવવી પડશે. જો બેંક આ સમયમર્યાદામાં પૈસા નહીં ચૂકવે, તો તેણે આ રકમ પર 7% વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. આ ચુકાદો એવા હજારો ગ્રાહકો માટે એક ઉદાહરણ છે કે જો તમે સાચા છો અને તમારી પાસે પુરાવા છે, તો ધીરજ રાખવાથી મોટી સંસ્થાઓ સામે પણ ન્યાય મળી શકે છે.