વરિષ્ઠ અમલદાર અજય સેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ માહિતી એક સત્તાવાર આદેશમાં આપવામાં આવી હતી. કર્ણાટક કેડરના 1987 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અજય સેઠ હાલમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ અજય સેઠની નાણાં સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. આપને જણાવી દઈએ કે તુહિન કાંત પાંડેના સ્થાને અજય સેઠને આ પદ આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, તુહિન કાંત પાંડેને માધવી પુરી બુચના સ્થાને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેબીના નવા ચેરમેનની નિમણૂક થયા બાદ નાણા સચિવનું પદ ખાલી પડ્યું હતું.