White House shooting: યુનાઈટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટનમાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ નજીક બુધવારે બનેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસની સુરક્ષામાં તૈનાત નેશનલ ગાર્ડના 2 સભ્યોને નજીકથી ગોળી મારવામાં આવતા ભારે સનસનાટી ફેલાઈ છે. પોલીસે આ હુમલાને 'ટાર્ગેટેડ કિલિંગ' એટલે કે નિશ્ચિત નિશાન બનાવીને કરાયેલા કૃત્ય તરીકે શંકા વ્યક્ત કરી છે.
આ ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક જનતાને સંબોધિત કર્યા હતા અને હુમલાખોર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હુમલો કરનારને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, નેશનલ ગાર્ડ્સ પર ગોળીબાર કરનાર શંકાસ્પદની ઓળખ એક અફઘાન નાગરિક તરીકે કરવામાં આવી છે.
ટ્રમ્પે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવીને જણાવ્યું હતું કે, આ મામલે સત્વર અને નિશ્ચિત કાર્યવાહી કરવામાં આવશે. તેમને હોમલેન્ડ સિક્યુરિટી તરફથી મળેલી માહિતી અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ અફઘાન હતો. ટ્રમ્પે ભાવુક અપીલ કરતા કહ્યું, "આ ઘૃણાસ્પદ હુમલો દુષ્ટતાનું, ધિક્કારનું અને આતંકનું કાર્ય હતું. આ આપણા સમગ્ર દેશ વિરુદ્ધનો અપરાધ હતો, આ માનવતા વિરુદ્ધનો અપરાધ હતો. આજે રાત્રે તમામ અમેરિકનોના હૃદય વેસ્ટ વર્જિનિયન નેશનલ ગાર્ડના તે 2 સભ્યો અને તેમના પરિવાર સાથે છે."
ટ્રમ્પે બાઇડન પ્રશાસન પર આકરા પ્રહારો કરતા અફઘાનિસ્તાનથી આવેલા દરેક વિદેશીની ફરીથી તપાસ કરાવવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું, "સુરક્ષા વિભાગને વિશ્વાસ છે કે કસ્ટડીમાં લેવાયેલો શંકાસ્પદ એક વિદેશી છે જે અફઘાનિસ્તાનથી આપણા દેશમાં દાખલ થયો હતો, જે પૃથ્વી પરનું એક નરક છે. હવે બાઇડન શાસન હેઠળ અફઘાનિસ્તાનથી આપણા દેશમાં પ્રવેશ કરનાર દરેક વિદેશીની ફરીથી તપાસ કરવી જોઈએ. જો તેઓ આપણા દેશને પ્રેમ ન કરી શકે, તો આપણે તેમને નથી જોઈતા. અમેરિકા આતંક સામે ક્યારેય ઝૂકશે નહીં." તેમણે ઉમેર્યું કે, બાઇડન પ્રશાસને દુનિયાભરમાંથી 20 મિલિયન જેટલા અજાણ્યા વિદેશીઓને આવવાની મંજૂરી આપી છે, જે ચિંતાજનક છે.
President Trump delivers remarks on the horrific attack on the Great National Guard Warriors https://t.co/xDxRzJENU0
આ ઘટનાને ગંભીરતાથી લઈને, ડોનાલ્ડ ટ્રમ્પે દેશની સુરક્ષા વધારવા માટે વધારાના 500 સૈનિકોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ખાતરી આપી કે, "આપણે અમેરિકાને ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીશું અને આ બર્બર હુમલાના ગુનેગારને સત્વર અને નિશ્ચિત ન્યાયના કટઘરામાં લાવીશું." અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે પણ પુષ્ટિ કરી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમને વધારાના સૈનિકો મોકલવા જણાવ્યું છે.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, નેશનલ ગાર્ડ્સ પર ગોળીબાર કરનાર શંકાસ્પદની ઓળખ અફઘાની નાગરિક રહેમાનુલ્લા લાકનવાલ તરીકે થઈ છે, જે 2021 માં યુનાઈટેડ સ્ટેટ્સમાં આવ્યો હતો. હાલના તબક્કે, એવું માનવામાં આવે છે કે તેણે એકલા હાથે જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલાથી અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન નીતિઓ પર પુનર્વિચાર કરવાની હાકલ કરવામાં આવી છે.