‘સૂફિયાણી વાતો બંધ કરો, ડૂબેલા પૈસા પાછા અપાવો': ડિજિટલ અરેસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સાયબર પોલીસનો ઉધડો લીધો | Moneycontrol Gujarati
Get App

‘સૂફિયાણી વાતો બંધ કરો, ડૂબેલા પૈસા પાછા અપાવો': ડિજિટલ અરેસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સાયબર પોલીસનો ઉધડો લીધો

Digital Arrest Fraud: ગુજરાત હાઈકોર્ટે ડિજિટલ અરેસ્ટ અને સિનિયર સિટીઝનો સાથે થતી કરોડોની ઠગાઈ મામલે સાયબર પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે પોલીસને સૂફિયાણી વાતો છોડી ડૂબેલા નાણાં પરત અપાવવા આદેશ કર્યો.

અપડેટેડ 10:20:32 AM Sep 24, 2026 પર
Story continues below Advertisement
હાઈકોર્ટે પોલીસની સજ્જતા અને તપાસની પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે પોલીસ હંમેશા એવું કહે છે કે વડીલોને ડિજિટલ અરેસ્ટની સમજણ નથી હોતી, પણ શું સાયબર પોલીસને આવા ગુનાઓની ઊંડી સમજ છે ખરી?

Digital Arrest Fraud: આજકાલ 'ડિજિટલ અરેસ્ટ'ના નામે નિર્દોષ લોકો, ખાસ કરીને વડીલો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આ ગંભીર મુદ્દે હવે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં વધતા ડિજિટલ અરેસ્ટના કેસોમાં સાયબર પોલીસની ઢીલી કામગીરીને લઈને હાઈકોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી છે.

‘સૂફિયાણી વાતો બંધ કરો અને કામ કરો'

એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે રાજ્યના પોલીસ તંત્ર અને સાયબર ક્રાઈમ વિભાગને સીધી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પોલીસે મોટી-મોટી કે 'સૂફિયાણી વાતો' કરવાનું બંધ કરવું જોઈએ. પોલીસનું મુખ્ય કામ સિનિયર સિટીઝનોના ડૂબેલા પૈસા તેમને પાછા અપાવવાનું છે. પોલીસે એવી કોઈ મજબૂત અને ફૂલપ્રૂફ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી વડીલો આ પ્રકારના ફ્રોડનો ભોગ જ ન બને.

હાઈકોર્ટે સાયબર પોલીસને પૂછ્યા સળગતા સવાલો

હાઈકોર્ટે પોલીસની સજ્જતા અને તપાસની પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે પોલીસ હંમેશા એવું કહે છે કે વડીલોને ડિજિટલ અરેસ્ટની સમજણ નથી હોતી, પણ શું સાયબર પોલીસને આવા ગુનાઓની ઊંડી સમજ છે ખરી? અત્યાર સુધી કેટલા પીડિતોને પોલીસે તેમના ગુમાવેલા પૈસા પાછા અપાવ્યા છે? પોલીસ માત્ર ભાડાના ખાતા વાપરનારા નાના આરોપીઓને પકડીને જ કેમ સંતોષ માની લે છે? મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી કેમ નથી પહોંચતી?


60 લાખની ઠગાઈ અને પોલીસની નિષ્ફળતા

કોર્ટમાં જે કેસની ચર્ચા ચાલી રહી હતી, તેમાં ફરિયાદીએ ડિજિટલ અરેસ્ટના નામે 60 લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ કેસમાં પોલીસે એક આરોપીને પકડ્યો છે, જેના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા પણ રિકવર થયા છે. આ આરોપી ફરિયાદીને પૈસા પાછા આપવા તૈયાર છે, તેમ છતાં પોલીસ ફરિયાદીને તેમની રકમ કેમ નથી અપાવતી? તેવો વેધક સવાલ કોર્ટે કર્યો હતો. આ ઉપરાંત, આ ફ્રોડનો મુખ્ય આરોપી મોહંમદ દાનિશ છે, જે અલગ-અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવે છે. સ્પષ્ટ માહિતી હોવા છતાં પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી, જે એક મોટી નિષ્ફળતા છે.

બેંક મેનેજરો પણ એટલા જ જવાબદાર

હાઈકોર્ટે માત્ર પોલીસને જ નહીં, બેંકોને પણ આડે હાથ લીધી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સામાન્ય માણસ માટે બેંકમાં ખાતું ખોલાવવું હોય તો KYC ફરજિયાત છે. તો પછી આવા બેનામી અને મ્યુલ એકાઉન્ટ બેંકમાં કેવી રીતે ખુલી જાય છે? આ માટે જે તે બેંકના મેનેજરો અને અધિકારીઓ પણ સીધી રીતે જવાબદાર છે. જો આ બેંક અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમની સામે કડક પગલાં લેવાય, તો સાયબર ફ્રોડના ગુનાઓ આપોઆપ ઘટી જશે.

આ પણ વાંચો -  ભૂકંપ આવતાં જ 320ની સ્પીડે દોડતી બુલેટ ટ્રેન આપોઆપ થંભી જશે! ગુજરાત-મહારાષ્ટ્રમાં લાગશે જાપાનની ખાસ સિસ્ટમ

ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ દર્શાવે છે કે હવે માત્ર ગુનેગારોને પકડવા પૂરતું નથી, પરંતુ ભોગ બનનારને ન્યાય મળે અને તેમના નાણાં પરત આવે તે જ સાચી પોલીસ કામગીરી ગણાશે. બેંક અને પોલીસે મળીને એક પારદર્શક સિસ્ટમ બનાવવી જ પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2026 10:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.