ગુજરાતની કડવી વાસ્તવિકતા: રાજ્યના 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબીના આંકડા ચોંકાવનારા | Moneycontrol Gujarati
Get App

ગુજરાતની કડવી વાસ્તવિકતા: રાજ્યના 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબીના આંકડા ચોંકાવનારા

Poverty in Gujarat: સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ગરીબીનું ચિત્ર ડરામણું છે. સરકારી દાવાઓ વચ્ચે રાજ્યમાં 3.65 કરોડ લોકો મફત અને સસ્તા અનાજ પર જીવવા મજબૂર બન્યા છે. છેલ્લા 5 વર્ષમાં ગરીબ લાભાર્થીઓની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ.

અપડેટેડ 10:42:53 AM Dec 15, 2025 પર
Story continues below Advertisement
ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાના દાવાઓ વચ્ચે ગરીબ પરિવારોની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે.

Free Ration Scheme Gujarat: એક તરફ દેશ અને દુનિયામાં ગુજરાતની ઓળખ એક મોડલ સ્ટેટ અને ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે આપવામાં આવે છે, જ્યાં વાઈબ્રન્ટ સમિટના નામે કરોડોના રોકાણની વાતો થાય છે. પરંતુ આ ઝગમગાટની પાછળ એક કડવું સત્ય પણ છુપાયેલું છે જે સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ જ બયાન કરે છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાના દાવાઓ વચ્ચે ગરીબ પરિવારોની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. સ્થિતિ એટલી હદે ચિંતાજનક બની છે કે આજે રાજ્યની કુલ વસ્તીનો એક મોટો હિસ્સો એટલે કે અંદાજે 3.65 કરોડ લોકો બે ટંકના ભોજન માટે સરકારી રાહત અને મફત અનાજ પર નિર્ભર બની ગયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં લોકોની આર્થિક સ્થિતિ સુધરવાને બદલે વધુ કથળી રહી છે.

ગુજરાતમાં ગરીબીની વાસ્તવિકતા સમજવા માટે વ્યાજબી ભાવની દુકાનો પર લાગતી લાઈનો અને ત્યાં નોંધાયેલા આંકડાઓ પર નજર કરવી જરૂરી છે. કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે રાજ્યસભામાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અને અન્ય સ્કીમ હેઠળ મફત કે રાહત દરે અનાજ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2021 દરમિયાન રાજ્યમાં 341.71 લાખ લોકો આ યોજનાનો લાભ લેતા હતા. જે આંકડો વર્ષ 2025 સુધીમાં વધીને 365.84 લાખ એટલે કે 3.65 કરોડ સુધી પહોંચી ગયો છે. માત્ર છેલ્લા 5 વર્ષના ટૂંકા ગાળામાં જ મફત અને સસ્તા દરે અનાજ લેનારા લોકોની સંખ્યામાં સીધો 24 લાખનો વધારો થયો છે. આ વધારો સ્પષ્ટ કરે છે કે મોંઘવારી અને આર્થિક તંગીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ વધુ લાચાર બન્યો છે.

રાજ્યમાં હાલ કુલ રેશનકાર્ડ ધારકોની સંખ્યા 75.17 લાખ છે. આ કાર્ડધારકોને સરકાર દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને તેલ જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે અથવા મફત પૂરી પાડવામાં આવે છે. સરકાર ભલે માથાદીઠ આવક વધ્યાના બણગાં ફૂંકતી હોય, પરંતુ જો લોકોની ખરીદશક્તિ વધી હોત તો સરકારી અનાજ પર નિર્ભરતા ઘટવી જોઈતી હતી. તેના બદલે અહીં ચિત્ર સાવ ઉલટું છે. વર્ષ 2022 અને 2023માં પણ અનુક્રમે 345.15 લાખ અને 344.15 લાખ લોકો આ યાદીમાં સામેલ હતા, જે ગ્રાફ 2024માં વધીને 351.60 લાખ અને હવે 2025માં રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે. જ્યારે દેશમાં કેરળ જેવા રાજ્યો ગરીબી મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા અથવા સરકારી મદદની જરૂરિયાતવાળા લોકોની ફોજ વધી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિ એ પ્રશ્ન ઉભો કરે છે કે શું ખરેખર ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે? એક તરફ સરકાર મફત અનાજ વિતરણને પોતાની મોટી ઉપલબ્ધિ અને રાજકીય સિદ્ધિ ગણાવી રહી છે, તો બીજી તરફ આ જ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના નાગરિકો આત્મનિર્ભર બનવાને બદલે સરકારી ટુકડાઓ પર જીવવા મજબૂર બન્યા છે. વાઈબ્રન્ટ ગુજરાતની ચમકદમક વચ્ચે 3.65 કરોડ લોકોનું રાશનની લાઈનમાં ઉભા રહેવું એ રાજ્યની આર્થિક તંદુરસ્તી સામે એક મોટો પ્રશ્નાર્થ છે. લોકો પાસે રોજગારી અને પૂરતી આવક હોત તો કદાચ તેઓ સસ્તા અનાજની દુકાને લાઈનમાં ઉભા રહેવાને બદલે સન્માનભેર બજારમાંથી ખરીદી કરતા હોત.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 15, 2025 10:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.