India-Russia Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફના કારણે રશિયા વાટાઘાટોના ટેબલે આવવા મજબૂર થયું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં મહત્વની બેઠક યોજાવાની છે.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું, "જ્યારે અમે ભારતને કહ્યું કે રશિયન તેલની ખરીદીને કારણે અમે તમારા પર ટેરિફ લગાવીશું, ત્યારે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઘટાડ્યું. આનાથી રશિયાએ અમારો સંપર્ક કર્યો અને બેઠકની ઇચ્છા વ્યક્ત કરી." ટ્રમ્પે ઉમેર્યું, "જો રશિયા આવું ન કરે તો તે પોતાનો બીજો સૌથી મોટો ગ્રાહક ગુમાવી શકે છે, અને કદાચ પહેલો નંબરનો ગ્રાહક પણ."
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારત રશિયન તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર હતો, જે ચીનની નજીક પહોંચી રહ્યું હતું. ચીન હાલમાં રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે ટેરિફના ડરથી રશિયન તેલની ખરીદી બંધ નથી કરી, પરંતુ આર્થિક કારણોસર તે ચાલુ રાખી છે.
આ ઉપરાંત, ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી હતી કે જો આ આગામી બેઠકમાં યુક્રેન યુદ્ધ રોકવા માટે સહમતિ નહીં થાય તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ, પુતિને શાંતિપૂર્ણ વલણ દાખવ્યું છે અને ટ્રમ્પના યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.