Donald Trump Tariff Policy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલીસી વિશ્વભરમાં વિવાદોનું કેન્દ્ર બની રહી છે. આજે, 10 નવેમ્બર 2025ના રોજ, ટ્રમ્પે તેમના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Truth Social' પર એક વિસ્ફોટક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે ટેરિફના વિરોધીઓને સીધા 'મૂર્ખ' કહીને નિશાન સાધ્યું. આ સાથે જ, તેમણે દાવો કર્યો કે આ પોલીસીથી અમેરિકા વિશ્વની સૌથી સમૃદ્ધ અને આદરણીય અર્થતંત્ર બન્યું છે, જ્યાં મોંઘવારી લગભગ નહીંવત છે.
દરેક અમેરિકનને 2000 ડોલરનું વચન
ટ્રમ્પની પોસ્ટમાં સ્પષ્ટ લખાયું છે કે, "ટેરિફથી અમેરિકા ટ્રિલિયન ડોલર કમાઈ રહ્યું છે. આ પૈસાથી દેશ પોતાનું દેવું ઝડપથી ચૂકવશે અને દરેક અમેરિકનને ઓછામાં ઓછા $2,000નું ડિવિડન્ડ મળશે." જોકે, આ રકમ ઉચ્ચ આવકવાળા લોકોને મળશે નહીં. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું $37 ટ્રિલિયનને પાર કરી ગયું છે. ટ્રમ્પ માને છે કે ટેરિફની આવકથી આ દેવું ઘટાડવું સરળ બનશે. આ વિચાર અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો, પરંતુ આજની પોસ્ટમાં તેને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના અધિકારીઓ કહે છે કે આ ડિવિડન્ડ ટેક્સ કટમાંથી પણ આવી શકે, જે પહેલેથી જ કાયદા બની ગયા છે.
વિરોધીઓ પર તીખો પ્રહાર
ટ્રમ્પે તેમની પોસ્ટમાં આર્થિક સફળતાઓની લાંબી યાદી આપી – રેકોર્ડ સ્ટોક માર્કેટ, 401(K) બેલેન્સમાં વધારો અને ફેક્ટરીઓમાં નવી તકો. તેમણે કહ્યું, "મારા નેતૃત્વથી અમેરિકા વિશ્વનો સૌથી ધનવાન દેશ બન્યો છે." વિરોધીઓને તેમણે કડક શબ્દોમાં નિશાન બનાવ્યા અને કહ્યું "જે લોકો ટેરિફ વિરુદ્ધ છે, તેઓ મૂર્ખ છે!" તેમના મતે, આ પોલીસીએ રોકાણ અને રોજગારને વેગ આપ્યો છે.
આ પોસ્ટ વેપાર પોલીસીના બચાવ તરીકે જોવાઈ રહી છે, જે વિશ્વને અમેરિકા-પ્રથમ અભિગમથી ડરાવે છે.
સુપ્રીમ કોર્ટમાં તીખી સુનાવણી
આ દાવા વચ્ચે, અમેરિકન સુપ્રીમ કોર્ટમાં 6 નવેમ્બરથી ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ પર મહત્ત્વની સુનાવણી ચાલી રહી છે. આ કેસ IEEPA (ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ) કાયદાના ઉપયોગ પર કેન્દ્રિત છે, જેનો ઉપયોગ ટ્રમ્પે તમામ દેશો પર સમાન ટેરિફ લગાવવા માટે કર્યો હતો.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ એમી કોની બેરેટ સહિત અનેક ન્યાયાધીશોએ શંકા વ્યક્ત કરી કે આ કાયદાનો ઉપયોગ વ્યાપક ટેરિફ માટે કેમ? નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે જવાબમાં કહ્યું કે વહીવટીતંત્ર આને 'આર્થિક કટોકટી' તરીકે જુએ છે, જેમાંથી ટ્રિલિયન ડોલરના વેપાર કરારો થયા છે.
વેપાર નિષ્ણાતો કહે છે કે જો કોર્ટે આ ટેરિફને અધિકાર વિરુદ્ધ ગણાવ્યા, તો પણ અમેરિકાના કેટલાક ટેરિફ જળવાઈ રહેશે. આ કેસ અમેરિકન અર્થતંત્ર માટે નિર્ણાયક છે, કારણ કે તે વેપાર યુદ્ધના ભવિષ્યને આકાર આપશે. ટ્રમ્પની આ પોલીસીના સમર્થકો તેને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક મજબૂતીનું હથિયાર માને છે, જ્યારે વિરોધીઓ તેને વૈશ્વિક અસ્થિરતાનું કારણ ગણાવે છે. આ વિવાદ વધુ તીવ્ર થવાની શક્યતા છે.