ટ્રમ્પનો ટેક કંપનીઓને આદેશ: ભારતમાં અને ભારતીયોને નોકરીઓ નહીં, અમેરિકામાં જ ફોકસ!
ટ્રમ્પના આ નિવેદનની ભારતના IT સેક્ટર પર ઊંડી અસર પડી શકે છે. ભારતીય IT કંપનીઓ અમેરિકી બજાર પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. જો અમેરિકી કંપનીઓ ભારતમાં હાયરિંગ ઘટાડે તો નવી ભરતીઓ, ખાસ કરીને ફ્રેશર્સ અને એન્ટ્રી-લેવલ જોબ્સ પર સંકટ આવી શકે છે.
ટ્રમ્પના આ નિવેદનની ભારતના IT સેક્ટર પર ઊંડી અસર પડી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા (ફેસબુક) જેવી ટેક જાયન્ટ્સને ચીનમાં ફેક્ટરીઓ બનાવવા કે ભારતીય ટેક વર્કર્સને નોકરીઓ આપવાને બદલે અમેરિકામાં જ રોજગાર સર્જન પર ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. વોશિંગ્ટનમાં યોજાયેલા એક AI સમિટમાં ટ્રમ્પે ટેક ઇન્ડસ્ટ્રીની ગ્લોબલિસ્ટ માનસિકતાની ટીકા કરી અને ત્રણ નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યા, જેનો હેતુ અમેરિકામાં AI ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
ટ્રમ્પનું અમેરિકા ફર્સ્ટનું સુત્ર
ટ્રમ્પે કહ્યું કે ઘણી ટેક કંપનીઓએ અમેરિકી સ્વતંત્રતાનો લાભ લઈને નફો કમાયો, પરંતુ ચીનમાં ફેક્ટરીઓ બનાવી અને ભારતીય વર્કર્સને નોકરીઓ આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં આ દિવસો હવે પૂરા થયા છે." તેમણે અમેરિકી કંપનીઓને દેશભક્તિ અને રાષ્ટ્રીય વફાદારીની ભાવના સાથે અમેરિકાને પ્રાથમિકતા આપવા જણાવ્યું.
ભારતીય IT સેક્ટર પર શું અસર થશે?
ટ્રમ્પના આ નિવેદનની ભારતના IT સેક્ટર પર ઊંડી અસર પડી શકે છે. ભારતીય IT કંપનીઓ અમેરિકી બજાર પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. જો અમેરિકી કંપનીઓ ભારતમાં હાયરિંગ ઘટાડે તો નવી ભરતીઓ, ખાસ કરીને ફ્રેશર્સ અને એન્ટ્રી-લેવલ જોબ્સ પર સંકટ આવી શકે છે. નાસ્કોમના અંદાજ મુજબ, જો અમેરિકી આઉટસોર્સિંગમાં 10-15% ઘટાડો થાય તો આગામી બે વર્ષમાં ભારતમાં 5 લાખથી વધુ નોકરીઓ જઈ શકે છે. આ ઉપરાંત, કેમ્પસ પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપ ઓફર્સમાં પણ વિલંબ થઈ શકે છે.
ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ
વિનિંગ ધ રેસ: આ ઓર્ડર અમેરિકામાં AI ડેવલપમેન્ટને ઝડપી બનાવવા અને ડેટાસેન્ટર્સ તથા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પ્રોત્સાહન આપવા માટેની રાષ્ટ્રીય રણનીતિની રૂપરેખા આપે છે.
પોલિટિકલી ન્યૂટ્રલ AI: સરકારી ભંડોળ મેળવતી કંપનીઓએ હવે રાજકીય રીતે તટસ્થ AI ટૂલ્સ બનાવવા પડશે. આ નિયમ સરકારી એજન્સીઓ દ્વારા વપરાતા AI સિસ્ટમ્સ પર પણ લાગુ થશે.
અમેરિકામાં રોકાણ: અમેરિકી કંપનીઓને ચીન કે ભારત જેવા દેશોમાં રોકાણને બદલે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ પર ધ્યાન આપવા પ્રોત્સાહન.
H-1B વિઝા પર પણ સંકટ
ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં H-1B વિઝા નિયમોમાં સખતાઇ જોવા મળી હતી, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સને અમેરિકામાં કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ નવા નિર્દેશથી વિઝા નિયમોમાં વધુ સખતાઇ આવી શકે છે, જેનાથી ભારતીય IT કર્મચારીઓનું અમેરિકામાં કામ કરવાનું સપનું અધૂરું રહી શકે છે.
ભારત માટે શું છે રસ્તો?
ભારતીય IT કંપનીઓએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવવી પડશે. સ્થાનિક બજારોમાં વૃદ્ધિ, નવા ટેક્નોલોજી સેક્ટર્સ જેમ કે AI અને બ્લોકચેનમાં રોકાણ અને અન્ય દેશોમાં બજાર વિસ્તારવું એ ઉકેલ હોઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પોતાના ટેલેન્ટ પૂલનો લાભ લઈને સ્થાનિક ઇનોવેશન પર ધ્યાન આપવું જોઈએ.