ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર: 8 લોકોના મોત, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે.
આ વરસાદના કારણે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટવાની શક્યતા છે
ગુજરાત રાજ્યમાં ચોમાસા પહેલા અચાનક આવેલા કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, તોફાની પવન અને ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. આ વરસાદના કારણે રાજ્યભરમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના પ્રભાવને કારણે 10 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા છે.
કમોસમી વરસાદનું તાંડવ: 8 લોકોના મોત
સોમવારે રાજ્યમાં અચાનક શરૂ થયેલા વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું. આ દરમિયાન રાજ્યભરમાં આઠ લોકોના મોત થયા છે. વડોદરામાં વીજળીના તાર અને ઇમારતનો કાટમાળ પડવાથી ત્રણ લોકોના મોત થયા, અમદાવાદમાં રિક્ષા પર હોર્ડિંગ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું, જ્યારે અરવલ્લીમાં વીજળી પડવાથી બે લોકોના જીવ ગયા. આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે નુકસાનના અહેવાલો સામે આવ્યા છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 50થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. રાજ્યના 15 જિલ્લાઓમાં કરા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર ચોમાસા પૂર્વેની તૈયારીઓની જેમ આ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે.
આગામી ત્રણ દિવસનું હવામાન
6 મે:રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા. કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ, જ્યારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદ ખાબકી શકે છે. પવનની ઝડપ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
7 મે: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.
8 મે: રાજ્યના 75 ટકાથી વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ. સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. પવનની ઝડપ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
વરસાદનું કારણ
-હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદનું મુખ્ય કારણ ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે.
-દક્ષિણ પાકિસ્તાન અને નજીકના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર 1.5 કિલોમીટરની ઊંચાઈએ આવેલી સાયક્લોનિક સિસ્ટમ.
-મરાઠાવાડા અને નજીકના ઉત્તરીય ભાગો પર રચાયેલી સાયક્લોનિક સિસ્ટમ.
ગરમીથી રાહત, પણ વહીવટી તંત્ર સામે પડકાર
આ વરસાદના કારણે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટવાની શક્યતા છે, જેના કારણે રાજ્યમાં આકરી ગરમીથી રાહત મળી શકે છે. જોકે, ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતાં સરકાર અને વહીવટી તંત્ર માટે આ પરિસ્થિતિ ચોમાસા પહેલાની મોકડ્રિલ જેવી છે. વહીવટી તંત્રે લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.