Nepal violence: નેપાળમાં સોશિયલ મીડિયા બેન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ. આ પ્રદર્શન દરમિયાન 21 યુવાનોના મોત થયા, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને તપાસની જાહેરાત કરી.
શું છે સમગ્ર મામલો?
નેપાળ સરકારે તાજેતરમાં ફેસબુક અને X સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના વિરોધમાં સોમવારે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. આ પ્રદર્શનકારીઓએ સંસદ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસે વોટર કેનન, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં 21 યુવાનોના મોત થયા અને 350થી વધુ લોકો ઘાયલ થયા.
PM ઓલીનું નિવેદન
વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતાં કહ્યું, “આજની દુખદ ઘટનાથી હું ખૂબ જ દુખી છું. અમને વિશ્વાસ હતો કે યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરશે, પરંતુ કેટલાક નિહિત સ્વાર્થી તત્વોની ઘૂસણખોરીને કારણે પરિસ્થિતિ બગડી. સરકાર સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તરફેણમાં નથી અને તેના ઉપયોગ માટે યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરશે.” તેમણે આગળ જણાવ્યું કે આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે, જે 15 દિવસમાં તેનો રિપોર્ટ સોંપશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાંની ભલામણ કરશે.
સોશિયલ મીડિયા પરથી બેન હટાવાયો
વિરોધ પ્રદર્શનની તીવ્રતાને જોતાં નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો. નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કેબિનેટની ઇમરજન્સી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી. સરકારે સંબંધિત એજન્સીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સરકારે Gen Z પ્રદર્શનકારીઓને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે.